પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૮૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૫

કંઈક શાંત થયું. એ શાંતિથી, માખીઓ ઉડી જાય એમ, વિચાર શાંત થયા અને છેક આઘે પશ્ચિમ સમુદ્રની કાળી રેખા જોવા લાગ્યો. આંખ એ જ દિશાએ ઠરી અને પોતાની ગુફાથી સમુદ્રરેખા સુધી હેરાફેરી કરવા લાગી. એ હેરાફેરા કરતાં જોડની ગુફાના મથાળાના ધાબામાંના દાદર જેવા ભાગમાં દીવાનો પ્રકાશ દેખાયો. એ પ્રકાશથી વળી વિચાર જાગ્યા, વિચાર જાગતાં વચલા પુલ આગળથી બારીમાં દષ્ટિ પડી ને પુલ ઉપર પડી. બારીમાં દીવાનો પ્રકાશ દેખાયો. એ પ્રકાશ પુલ ઉપર લંબાતો હતો. પુલ બાળકના ઘોડીયાના આકારનો, વગર - ઘડેલી શિલાઓ ગોઠવી, કરેલો હતો. સરસ્વતીચંદ્ર અગાશીમાંથી નીચે ઉતર્યો અને પોતાના ભણીની પુલની પાસની બારીમાં દૃષ્ટિ કરે છે તે તેમાં સ્ત્રીનો આકાર દેખાયો, દેખાતાં એ પળવાર ઓઠે આંગળી મુકી ઉભો રહ્યો, અને તરત જ દૂર ખસી ગયો.

ઉત્તર પાસને ઓટલે ઉશીકાને સ્થાને એનું પોટકું હતું. સાધુજનોએ એના શયનને માટે પત્થરના ઓટલા ઉપર એક ભગવું વસ્ત્ર પાથર્યું હતું અને એક પાસ જળફળ રાખ્યાં હતાં. ત્યાં આગળ એ વિચારમાં પડી બેઠો. પોતે વિચારમાં છે કે વિકારમાં તેનો વિચાર કરવા લાગ્યો. પુલ ભણીથી આંખને પાછી ખેંચી લીધી, પણ કાન તો એણી પાસ જ રહ્યા. ચદ્ર ઉંચો ચ્હડ્યો અને આ માળમાંથી પણ દેખાવા લાગ્યો. પર્વતના શિખર ઉપરનો પવન સમુદ્રનાં ઉછળતાં મોજાં પેઠે ગાજવા લાગ્યો. તાડોનાં ને ઝાડોનાં પાંદડાંના ખડખડાટ કાનમાં વીંઝાવા લાગ્યા. સરસ્વતીચંદ્ર એકલા ચંદ્રને જ જોઈ રહ્યો અને સ્વરમાત્રને સાંભળવા લાગ્યો. પુલ ભણીથી પણ કંઈક સ્વર આવવા લાગ્યા, આવતા સાથે હૃદયને ઉછાળવા લાગ્યા, અને ઉછળેલા હૃદયમાંની જિજ્ઞાસાએ એને ઉઠાડ્યો, પુલ પાસે આણ્યો, અને સર્વ સ્વરોને ભુલાવી પુલભણીથી આવતો સ્વર સાંભળવા તેને પ્રેર્યો. પુલની પેલી પાસ બારીમાં દીવાના પ્રકાશ વિના કાંઈ દેખાતું ન હતું. આણીપાસની બારીની સાંખસાથે લપાઈ બાઝી રહી, કાન અને હૃદયને ઉંચાં કરી, અન્ય વિચારોનો ત્યાગ કરી, આતુરતાની મૂર્ત્તિ જેવો સરસ્વતીચંદ્ર પથરાઓમાં પથરા પેઠે જડ જેવો સ્તબ્ધ થઈ ઉભો રહ્યો.