પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૭

અને રાત્રિ દિવસનું રૂ૫ ધારે છે – આ સર્વ ચિત્ર મ્હેં લાવણી ઉપરથી ચિત્ર્યું છે - પણ એ ચિત્રનો ભાવાર્થ અને ઉદ્દેશ શો છે તે મ્હારાથી સમજાતો નથી.”

ગુણ૦ - "કુસુમ ! સંસારના અનુભવ થયા પછી તું તે સમજીશ.”

કુસુમ - “અનુભવ થશે તે સઉ સમજે અનુભવ થયા પ્હેલાં સમજાવો ત્યારે ખરાં.”

ચંદ્ર૦ - “જુવો, ત્યારે હું અનુભવ આપું. સરસ્વતીચંદ્ર મુંબઈમાં હતા ત્યાં સુધીનો દિવસ, અને પછીની રાત. જ્યાં સુધી મુંબાઈમાં વિદ્યા, લક્ષ્મી, વૈભવ, મિત્રો, માતાપિતા, અને એવા એવા સંસારના પ્રકાશ એની આંખ આગળ ચળકાટ મારતા હતા ત્યાં સુધી દિવસ હતો. હવે એને રાત પડી.”

કુ૦ – “પણ એ દિવસ અને રાત્રિને ઉપર નીચે કેમ કહ્યાં, અને રાત્રિ દિવસ કેમ બને ?”

ચં૦ - “માણસ માટીમાંથી ઉત્પન્ન થાય અને માટીમાં જાય. Dust thou art, to Dust returnest, એ માટી તે આપણી ખરી રાત્રિ અને જન્મમરણની વચલો દિવસ દેખાય છે, પણ એ નાટકના વેશ જેવો છે, રાત્રિ નાટકનો વેશ ભજવનાર અને આ દિવસ એ એનો ખેાટો વેશ.”

ગુણસુંદરી ગણગણી: " - જન્મમરણની વચલો તે દિવસ– मध्ये*[૧] व्यक्तमनादिविभ्रमवशदव्यक्तमाद्यन्तयोः"

કુસુમને નવા વિચારનો ચમકાટ થયો, એની આંખો ચળકવા લાગી, અને ઓઠે આંગળી મુકી, બોલી ઉઠી. “ હા, હા. માટે જ ક્‌હેલું છે કે,

“Dust thou art to dust returnest,
“Was not spoken of the soul.

“એટલે જન્મમરણની વેળાએ માટીની ભાઈબંધી છે; એ માટી - એ રાત અને એ રાત્રિને જોનાર જીવ જુદો. એ રાત્રિની ભાઈબંધી કરે તે સત્ય વાત દેખે. બાકી દિવસ તે ખોટો. પણ તમે સરસ્વતીચન્દ્રના મુંબાઈના દિવસને દિવસ કહ્યા, ને પછીની રાત્રિ, એ રાત્રિદિવસ એક પદાર્થ શી રીતે ?"

ચં૦ – “આયુષ્યનાં દિવસરાત્રિ ઈશ્વર આપે છે તેમ સંપત્તિ વિપત્તિનાં દિવસરાત્રિ પણ એ જ આપે છે. લક્ષ્મી ચંચળ ક્‌હેવાય છે. તમારી હોડેલી કસુંબી ચાદરનો રંગં કાચો છે તેમ લક્ષ્મી પણ કાચો રંગ છે, સંપત્તિ


  1. * ચંડકૌશિક