પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૮


કુમુદસુંદરી વિચારમાં પડી, બોલ્યા વિના નીચું જોઈ રહી. પ્રીતિમાનિનીએ તેને વાંસે હાથ ફેરવવા માંડ્યો.

"બેટા મધુરી, તું કોઈ રીતે ગભરાઈશ નહીં. ત્હારી ઇચ્છા પાછાં જવાની હશે તો પ્રાત:કાળે અવશ્ય જઈશું, પણ દુષ્ટ સંસારે અનેક વંચનાઓનાં જાળ રચી ત્હારા હૃદયમાં અમુઝણ ભરી દીધી છે ને આ મહાત્મા જોડે આટલા આટલા માસ સુધી તને વાત સરખી કરવા પણ દીધી નથી – એક ઘડી હૃદય ઉઘાડવાનો અવસર આપ્યો નથી – તેની સાથે બે ઘડી આજની રાત તું બોલી લે, ત્હારે ક્‌હેવાનું છે તે કહી લે, ને તેને ક્‌હેવાનું હોય તે સાંભળી લે ! આથી બીજું કાંઈ પણ કરવાનું અમે તેને ક્‌હેતા નથી. ત્હારી સક્ષમ પ્રીતિનું ફળ તું આટલાથી મેળવીશ અને પછી પ્રાતઃકાળે તું કહીશ તો ચંદ્રાવલીમૈયા તને માજી પાસે લઈ જશે.”

કુમુદ બોલ્યા વિના નીચું જોઈ રહી અને એનું સ્મરણ આ વાક્યમાંનું સત્ય સ્વીકારતું હોય તેમ બુદ્ધિધનના મન્દિરમાં પોતે ગાયેલી કડીયો અત્યારે હૃદય હૃદયમાં જ ગાવા લાગ્યું.

“પૂર્વ જન્મનો સંબંધી તે ખડો હૃદયમાં થાય !
“છાતી પણ જડસમી પ્રિયમૂર્તિ જોઈ નયન અકળાય !
“પરિચિત પ્રિય રહી ઉભો પાસે નહીં બોલે, નહીં બોલું !
“અપ્રસંગ ભજવતું ચીરાતું મર્મસ્થળ કયાં ખોલું [૧]  ?”

બુદ્ધિમૈયા નામની સાધ્વી સઉની પાછળ બેઠી હતી તે બોલી.

“મધુરીમૈયા ! જે પંચમહાયજ્ઞનો ઉપદેશ નવીનચંદ્રજીને મળ્યો છે તે જ ત્હારા શ્રવણ પુટમાં મધુધારા પેઠે ટપકેલો છે, એ મહાત્મા સાથે મહાયજ્ઞામાં સહચારિણી થવાનો અને અદ્વૈત પામવાનો લાભ શું તને નથી થતો ? એ યજ્ઞામાં એ મહાત્માની વેદી આન્તરાગ્નિથી તપ્ત અને દીપ્ત બને અને તેનું સૂક્ષમ શરીર સંભૂત થઈ હોમાય ત્યારે તે વેદીનું અને પશુનું શું હારે આપ્યાયન નથી કરવું?”

કુમુદ૦– એ અધિકાર આપવાના અધિકારીએ જયાં સુધી મને એ અધિકાર આપ્યો નથી ત્યાં સુધી સર્વે વાત વૃથા છે, મ્હારે એ અધિકાર શોધવો નથી.


  1. ૧. પ્રથમ ભાગ પૃષ્ઠ ૩૧ર.