પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૭૯


પ્રીતિ૦– એ સત્ય છે, એટલા માટે જ અમે તને અંહી એકલી મુકીને જઈશું, ત્હારી ઇચ્છા હોય અને તું અમારી સાથે સંદેશો મોકલીશ તો અમે તે લઈ જઈશું ને ઉત્તર આણીશું. તેમ ન કરવું હોય તો અંહી બેઠી બેઠી તું જે કંઈ ઉચ્ચારીશ કે ગાઈશ તે જોડની ગુફામાં બેઠા બેઠા નવીનચંદ્રજી જરુર સાંભળશે. તેમને ત્હારું અભિજ્ઞાન થશે તો અદ્વૈતબળે કે પ્રીતિબળે, રસબળે કે દયાબળે, સાધુજનોની યોજનાને બળે કે ગ્રહદશાને બળે, પણ સર્વથા શ્રી લક્ષ્યરૂપ ઈશ્વરની ઇચ્છાને બળે આ મહાત્મા ત્હારા હૃદયને શીતળ ને શાંત કરવા આવશે. તે ન આવે તો – માનિની ! – તું એમની પાસે જઈશ નહી અને પ્રાતઃકાળે તું કહીશ ત્યાં જઈશું. ત્યાં સુધી મનઃપૂત કરી જે વસ્તુ સુઝે તે આદરજે.

સર્વ ઉઠ્યાં અને કુમુદને એકલી મુકી નીચે ચાલ્યાં ગયાં. કુમુદે તેમની પાછળ ઉઠવા પ્રયત્ન કર્યો, પણ તેનું શરીર પૃથ્વી સાથે ચ્હોટ્યું હોય એમ થયું ને એની ઇચ્છાને વશ થયું નહી. ચારે પાસે રાત્રિ અને ચન્દ્રિકા એકઠાં નીતરતાં હતાં, અને ઉઠવા ઇચ્છનારીને પૃથ્વી સાથે ડાબી દેતાં હતાં. અંતે તે ઉઠી પણ એના ચરણ દાદર પાસે ન જતાં પુલ ભણીની બારી ભણી વળ્યા, બારી બ્હાર દૃષ્ટિ જતાં પાછી વળી, અને દૃષ્ટિ કરનારી ઓટલા ઉપર બેઠી અને છાતીએ હાથ મુકી ત્યાં બેસી જ રહી.

એના હૃદયમાં શું હતું તે એ પોતે જ સમજતી ન હતી. એ વિચારને વશ છે કે વિકારને વશ છે તે એના શરીર ઉપરથી જણાય એમ ન હતું. પણ બિન્દુમતીએ એને એકલી મુક્યા પછી એણે કવિતા જોડી ક્‌હાડી હતી. તેમાં અર્ધી કવિતા તરંગશંકરની જોડેલી હતી. ઇંગ્રેજ કવિ ગોલ્ડસ્મિથના “ હર્મિટ્ ” નામના લઘુકાવ્યનું તરંગ-શંકરે રૂપાન્તર [૧] કર્યું હતું. તેની એક પ્રતિલિપિ [૨] રત્નનગરીમાં સરસ્વતીચન્દ્રે કુમુદને આપી હતી. તેમાંથી અર્ધો ભાગ રાખી બાકીના અર્ધા ભાગની કવિતા કુમુદે પોતે જોડી ઉમેરી હતી. આ કવિતા સરસ્વતીચંદ્ર સાંભળે એમ અત્યારે ગાવા ઉપર એનું ચિત્ત વળ્યું, વળેલું ચિત્ત પાછું ફર્યું. ન ગાવાને નિશ્ચય થયો.

“એક વાર અગ્નિનો અનુભવ કર્યો – બીજી વાર એ અગ્નિમાં પડવાની કાંઈ આવશ્યકતા નથી.”

“હવે એ કાંઈ મુંબાઈ જાય એમ નથી. આવા વિરક્ત પદનો


  1. ૧. દેશકાળને અનુકૂળ રૂપવાળું ભાષાંતર, Adaptation.
  2. ૨. નકલ