પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૪૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮૦

સ્વીકાર કરી હવે કંઈ એ તેનો ત્યાગ કરવાના હતા ? અંહી જ સુખી થશે. મ્હારા વિના તે સુખી છે અને એમના વિના હું – સુખી તો નથી - પણ સંતુષ્ટ રહીશ અને માજીના ચરણમાં હૃદયનો યોગ કરીશ.”

થોડી વાર તે બેઠી, વળી ઉઠી, ગુફાની ત્રણે ઉઘાડી પાસે દૃષ્ટિ કરવા લાગી, ચંદ્ર દીઠો ને ચમકી, પુલની બારી ભણી વળી, ત્યાં ઉભી રહી, પુલની પેલી પાસની છાયા દીઠી, વળી ચમકી, વળી પાછી વળી, અને વચ્ચોવચ એક પત્થર ઉપર બેઠી.

ઓઠે આંગળ મુકી – “પ્રસંગ ગયો મળવાનો નથી. ઈશ્વરે જ જ્યારે ધકેલી ધકેલી અહીં સુધી મોકલી છે ત્યારે હું તેની ઇચ્છાને વશ થઈ પ્રસંગનો લાભ લેઈશ. જો મ્હારું જ મન પવિત્ર છે તો સરસ્વતીચંદ્રને તેનાથી શું ભય હતું અને મને પણ શું ભય હતું ? પણ એટલું તો ખરું કે મ્હારા મનના ગુંચવારાની ગાંઠો તેમનાથીજ ઉકલશે અને – સુખ તો આ અવતારમાં નથી - પણ – ધર્મ અને શાંતિનો માર્ગ તેઓ મને બતાવી શકશે !”

“પણ મ્હારે માટે તેમને હલકો વિચાર આવશે. મ્હારે માટે તેમણે શું ધાર્યું હશે અને હવે શું ધારશે ? ઈશ્વર જાણે.”

“માજી, મને જીવાડી છે તો જીવનનો વિધિ દેખાડો.”

“એ તો એ જ.”

થોડી વાર તે બેસી રહી – અને અંતે – હીંમત આણી મુખ ઉઘડી ગયું અને ગાવા લાગ્યું.



પ્રકરણ ૨૮.
હૃદયની વાસનાનાં ગાન.

ચેતન વિનાની વૃત્તિ-ઉકિત અને શ્રોતા વિનાની પ્રત્યુક્તિ.

“ More close and close his foot-steps wind:
“The Magic Music in his heart
“Beats quick and quicker, till he find
“The quiet chamber far apart.”
Tennyson's Day-Dream,