પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૦


“સુધા સલિલથી કૂપ ભર્યો છે,
“તૃષા ભાગવા ઈશે કર્યો છે,
“તેને થાળે બેઠી ગુણહીન[૧]
“હું ન અવતરી સલિલનું મીન.
“પાણી જોઉં છું ને રોઉં છું,
“કુવાકાંઠે તૃષાથી મરું છું.
“કહું છું કે મરું છું ને જીવું છું !
“મરવા મથી મથીને યે જીવું છું !
“હાડે હાડે બધેથી શુણું છું,
“પુંઠે પુંઠે ત્હોયે હું ભમું છું;
“આશા છે નહી, ત્હોયે ધરું છું;
“જીવ છે નહીં ત્હોયે જીવું છું!”

“–'Tis the severest struggle of the heart !” સરસ્વતીચંદ્ર બોલ્યો, અને કુમુદે પાછળની ભીંતમાં માથું પાછળથી કુટ્યું, પણ અંબોડાએ એ પ્રહારમાંથી એને બચાવી. સરસ્વતીચંદ્ર એ જોયું – એનું હૃદય ચીરાયું – અંદર જવા તત્પર થયો; પણ કુમુદ સજજ થઈને ફરી ગાવા લાગી એટલે અટક્યો. કુમુદનું મ્હોં હવે તીવ્રતર થતા શોકથી ઘેલું થતું હતું તે જોનારની આંખો દયાથી જોવા લાગી.

“છું અભાગણી પાપણી એવી,
“નથી અધમ કોઈ મુજ જેવી.
“કયાં હું એ ? કયાં તમે યોગિરાજ,
“જેમાં પુણ્યસુધા ઉભરાય?
“ત્યાગી બુદ્ધ શુણ્યા ભગવાન,
“ત્યાગી પ્રત્યક્ષ છો ભગવાન!”

ઈષ્ટ જનને મુખે સ્તુતિ સાંભળી રોમાંચ[૨] થયો.

“સેવે દૃષ્ટિથી શશીને કુમુદ!
“જુવે દૂરથી ને બને ફુલ્લ!”

  1. ૧.'ગુણ' એટલે કુવામાં પાણી ભરવાનું દોરડું અને બીજો અર્થ સામાન્ય કહીયે છીયે તે ગુણ.
  2. ૨. રુંવાંનું ઉભું થવું.