પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૦૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯૭


“શ્રીમતીને હિસ્ટીરિયા – વાયુ થયો ડાકતરે કહ્યો હતો તેના જેવી જ આની અવસ્થા છે અને તે પ્રમાણે જ આને ઉપચાર ઘટે. તેનું આ સ્થાને હું શી રીતે સંપાદન કરું? ચંદ્રનો પ્રકાશ અને સુકુમાર લાવણ્યમયી શીત પવનની લ્હેરો તો અંહી જોઈએ એટલી છે – તો એ જાગૃત થાય ત્યાં સુધી આ અવસ્થામાં જ બેસી ર્‌હેવું યોગ્ય છે – એ પ્રકાશ અને લ્હેરો એના શરીર ઉપર આવે એમ બેસું:–” તેમ એ બેઠો.

“મને કાંઈ અનુભવ નથી પણ ઉદ્ધતલાલને લાંબો અનુભવ છે તે ક્‌હેતા હતા કે વીલાયતમાં લગ્ન પહેલાં હિસ્ટીરીયા થાય છે તે લગ્ન પછી મટી જાય છે, અને આ દેશમાં લગ્ન પછી એ રોગ થાય છે તે સાસુ મરતા સુધી કે વહુ સ્વતન્ત્ર થતા સુધી પ્હોચે છે , આના ઉપરથી એમણે એવો અર્થાન્તરન્યાસ[૧]શોધ્યો છે કે સ્ત્રીઓની વાસનાઓ વીલાયતમાં લગ્નથી તૃપ્ત થાય છે અને આ દેશમાં પરાધીન વૃત્તિઓ, ચારેપાસ ભરી દીધેલાં કૃત્રિમ સંબંધીઓના જુલમ-જાળ માંથી સ્વતંત્ર થવાથી, તૃપ્ત થાય છે. કુમુદસુંદરી ! તમારે ઉભય વાતમાં અતૃપ્તિ ન હતી ? એક વાતમાં વિધાતાએ તમને સ્વતંત્ર કર્યાં – બીજી વાત મ્હારા હાથમાં છે. તમારા હૃદયનું ગાન સાંભળ્યું ! તેમાં જે પવિત્ર સૂક્ષ્મ પ્રીતિની વાસના સ્ફુરે છે તેની તૃપ્તિ તે હવે કંઈ કઠણ નથી પણ સ્ત્રીની હૃદયગુહાનો મર્મ કંઈ આટલા ગાનથી કદી સમજાય એમ છે ? સ્થલ વાસનાઓનાં ઉદ્દીપન અને શાંતિનાં પ્રકરણ આ સાધુઓ સમજે છે એવું કોણ સમજે છે ? એ વાસનાઓ કુમુદના કોમળ હૃદયમાં છે કે નહી તે જાણવું આવા સાધુજનોને પણ દુર્ધટ થઈ પડ્યું છે. મ્હારી દૃષ્ટિસેવા કર્યાથી આ સુકુમાર લાવણ્યમયી દેહલતામાંનું રસચેતન શું શાંત થશે ? કુમુદ પોતે જ પોતાની વાસનાઓ શું સ્પષ્ટ જાણી શકે છે ? સ્ત્રીઓની વાસનાઓને એમનાં શરીર જાણે છે – એમના શરીરવિલાસ જાણે છે, એટલી એમનાં મન જાણી શકતાં નથી. તો મ્હારે શું કરવું ? અથવા સ્થૂલ વાસનાનો વિચાર પોતાના હૃદયમાં ઉદય પામતા જોઈને જ શું આવી ધર્મિષ્ટ અને ઉત્કૃષ્ટ બુદ્ધિની બાળાને ક્લેશ અને ક્ષોભ નહી થતાં હોય ? – સર્વથા જે હો તે હે – આ હો કે એ હો - પણ આ કુસુમસુકુમાર હૃદયનું દુઃખ અતિસૂક્ષ્મ દશાને પામ્યું છે; ને દુષ્ટ સરસ્વતીચંદ્ર ! તે સર્વનું ક્રૂર કારણ તું જ છે - તું એકલો છે ! નથી પ્રમાદને નથી બીજું કોઈ ! હરિ ! હરિ ! હું શું કરું?”


  1. ૧. Generalization