પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૯

ગુણ૦ - "સુન્દરભાભી, એ તો ચમકી છે. એને કરવા દો કરવું હોય તે. આજ એ વેશ ભજવે એટલો ભજવવા દો કે આપણે પણ જાણીએ તો ખરાં કે એનું ચાલે તો આટલું કરે ! સૌ જાણી લઈશું એટલે પછી હું, તમે અને એના પિતા."

કુસુમ - "લો, ગુણિયલ પણ વળી કાકીની ગાડીમાં બેસી ગયાં."

ચંદ્રકાંત - "બ્હેન, હવે આપણું પ્રકરણ આગળ ચલાવો."

કુસુમ - "હા, એ જ. એ બધાં વાતો કરીને વહાશે. લો આ."

કાકીના હાથમાંથી ચિત્ર ખૂંચવી લઈ ચંદ્રકાંતને આપ્યું.

એ ચિત્રમાં રાત્રિનો કાળો રંગ ચીતર્યો હતો. ઉપર આકાશ જેવા ઘૂમટમાં તારાઓ, મધ્ય ભાગમાં અંધકારના ઉદરમાં છવાઈ ન દેખાતો પણ તારાઓના પ્રકાશથી આભાસે જણાતો પર્વત અને ઝાડોની ઝાંખી છાયાઓ, વચ્ચે એક પુરુષ સ્વપ્નમાં હસતો પડેલો, એક ખૂણામાં એક સ્ત્રી છાતી પર સારંગી અને સારંગી પર આંગળી મૂકી ગાઢ નિદ્રામાં પડેલી, અને બીજા ખૂણામાં મુખ આગળ ફાનસ ધરી તે ફાનસના પ્રકાશથી પાછળથી એ મુખ પરના અવયવ ન દેખાતાં તેને સ્થાને માત્ર માથાનો ગોળાકાર જ દેખાય એમ ઉભેલી એક સ્ત્રી : એટલી વિગત આ ચિત્રમાં હતી.

ચંદ્રકાંતે ચિત્ર હાથમાં લીધું ત્યાં કુસુમ બોલી : "આ રાત્રિનું ચિત્ર છે. ઉપર ઉડુગણ છે, તિમિરનું ઉદર પર્વત અને ઝાડોથી ઉપસાય છે, આ પુરુષને વિચિત્ર સ્વપ્ન થાય છે, જગત-માયા રૂપી આ સ્ત્રી સારંગી વગાડતી વગાડતી ઊંઘે છે, અને અંધકારભરેલા પોતાના મુખ આગળ આ રાત્રિ દીવો ધરે છે એટલે વચ્ચે દીવો આવવાથી અંધકારમાં જરી દેખાતું હતું તેટલું પણ એનું મુખ દેખાતું બંધ થાય છે અને અંધારામાં માત્ર ફાનસના તેજ જેવો આભાસ થાય છે - રાત્રિએ દિવસનું રૂપ ધરવાનો આમ આરંભ કર્યો એટલે આ વલે થઈ."

ચંદ્રકાંત - "પ્રથમ ભાગનો અર્થ સમજ્યાં એટલે આનો તો હવે વગર સમજાવ્યો સમજાશે."

કુસુમ - "માટીમાં ભળવાનું તે માટી એ રાત્રિ. એને માથે આકાશમાં તારાઓ કયા?"

ચંદ્રકાંત - "એની રાત્રિમાં ઊંચું જોનાર શું દેખે?"

કુસુમ - "સાધારણ અજવાળી રાત્રે તો સારા વિચાર સૂઝે, કારણ એક જણે કહ્યું છે કે

“The midnight moon serenely smiles
"O’er Nature’s soft repose;