પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૧૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૦૨

ફરતાં હતાં, અને તે છતાં એને મૂર્છાભાર ઉતારવા અશક્ત નીવડતાં હતાં. એ સર્વ સ્થાનમાં, એ સર્વ ક્રિયામાં, અને એ સર્વ પરિણામમાં સરસ્વતીચંદ્રની દૃષ્ટિ ફરી વળી અને ખોળામાં પડેલી મધુરતાની મૂર્તિને કંઈક ઉચી કરી ક્‌હેવા લાગ્યો.

“પડ્યું શબ તુલ્ય ચેતન આ;
“ત્યજી મુર્છા સચેત તું થા !
“સુધાકર આ સુધા વર્ષે;
“તને નહીં કેમ તે સ્પર્શે ?

“અથવા ત્હારા અન્તરાત્માને સ્થૂલ ચન્દ્રકિરણ ન જ સ્પર્શવાં જોઈએ. પણ શું મ્હારો સ્વર પણ એ અન્તરાત્માને ન પ્હોચી શકે ?”

સુતેલીની હડપચી ઝાલવા જતો જતો અટક્યો.

“તને બોલાવવા કે જગાડવાને માટે ત્હારા મુખનો સ્પર્શ કરવા મને અધિકાર નથી ? નથી જ. તે હાથ દૂર રાખી પુછું છું."

“સુતી, વ્હાલી, તું મુજ ખેાળે;
“મુખે તું કેમ ના બોલે ?

“અથવા આ સ્થાને તને સુવાડી રાખી છે તેના કરતાં શિલા ઉપર સુવું શું ત્હારી ધર્મબુદ્ધિ વધારે સારું ગણે છે ? હું શું કરું?"

“સુતી, વ્હાલી, તું મુજ ખોળે,
“મુખેથી કેમ ના બોલે ?
“શિલાને આથી શું સારી
“ગણે શય્યા તું, ગુણી નારી?
“ગણે જો એમ તો, વ્હાલી,
“કહી દે નેત્ર ઉઘાડી;
“સુકોમળ ગાત્ર આ ત્હારું
“શિલાપર કેમ સુવાડું?”

ચંદ્રના કિરણથી પ્રકાશિત થયેલું ગૌર શરીર જોઈ રહ્યો. ખેાળામાં લેતી વેળા જ તેનું વસ્ત્ર કોઈ કોઈ સ્થાનેથી સર્યું હતું અને પવનથી કપાળ ઉપર લટોમાંથી કોઈ કોઈ વાળ ઉડતા હતા. સરસ્વતીચંદ્રની દૃષ્ટિ આ સર્વ ઉપર પડતાં કંઈક ચમકી; વસ્ત્ર અને કેશ સમાં કરવા લોભાયો; લોભ ઉત્પન્ન થતાં એ લોભને અટકાવી પોતાના હાથને અટકાવ્યો અને દયામણે મુખે ક્‌હેવા લાગ્યો.