પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૧૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૦૬


મોહક શરીરનો અજાણ્યો સ્પર્શ થતાં ચમકતો સરસ્વતીચંદ્ર મનને જીતી સ્વસ્થ થવા આવતો હતો ત્યાં કુમુદની સુંદર સુંવાળી ચુંદડી ધડીકમાં પગ આગળથી ઉડતી, ઘડીમાં માથેથી ખસતી, ઘડીમાં છાતીના છેડા આગળ સરતી, અને પોતાને સ્વસ્થ માનનારને ફરી ફરી હંફાવતી હતી. એ અમુઝણમાં પણ સ્વસ્થ થવાનો પ્રયત્ન કરતો સાધુઅભિલાષી એક પાસથી જ્યાં જ્યાં વસ્ત્ર સરે ત્યાં ત્યાં સમું કરવા લાગ્યો અને બીજી પાસ તે તે સર્વ ક્રિયાથી મદનવિષની લ્હેરો અનુભવવા લાગ્યો અને તેના અસહ્ય વેગથી ધૂર્ણાયમાન થતો લાગ્યો.

“હરિ ! હરિ ! હરિ ! હરિ ! હં ! હં ! હં ! હં ! કુમુદસુંદરી ! હવે તો જાગો ! તમારી મૂર્છાથી તમે સુખમાં છો, અને મ્હારા ભાગ્યને માટે તો ગમે તો આ વિષજ્વાલામાંથી છુટવાને માટે ગમે તો મને તમારા જેવી મૂર્છા થાવ કે ગમે તો તમે જાગીને દૂર બેસો ને તમારા પવિત્ર આત્માના તેજથી તમારા શરીરનું મોહક વિષ નિવારો !”

મુખ ઉપર કંટાળો આવી ગયો; છતાં સર્વ શરીરમાં નવા વિકાર સરી જતા હતા અને હૃદયને ને બુદ્ધિને પરવશ કરવા મહાભારત અને અસહ્ય પ્રયાસ માંડતા હતા. તે ત્રાસવૃષ્ટિને કાળે છત્રી જેવા ગાને વાધવા પ્રયત્ન કર્યો; પણ તેનો થડકાતો રાગ, રાતી થતી આંખ, અને શરીરમાં વ્યાપતી ઉષ્ણતા અને રોમાંચિતતા, એ સર્વે આ વિષથી વધતી જડતાને સ્પષ્ટ કરતાં હતાં. કુમુદસુંદરીના ગાનમાં કડીયો ગવાઈ હતી કે-

“દેહ બળતાં બચ્યો નહી વાળ ”
અને “પ્રેમી અબળાને પ્રેમે ભુલાવી,
“ધીક ધીકતા અગ્નિમાં ચલાવી !”

વગેરે કડીયોમાંનો અર્થ હવે સરસ્વતીચંદ્રને અનુભવથી સમઝાયો, સમાન દુઃખની દુખીયારી ઉપર દયા આવી, અને બે જણે પોતપોતાનાં દુઃખમાંથી છુટવાનો એક જ પરસ્પર સામાન્ય માર્ગ સુઝ્યો - ગમે તો બેયે ડુબવું ને ગમે તે બેયે તરવું ! “ પ્રાણનાથ ! તારો કે ડુબાડો !” વગેરે દીન યાચનાઓ હવે સમજાઈ પવન તો હજી વાતો જ હતો અને કુમુદનાં વસ્ત્રની ક્રૂર અવ્યવસ્થા અટકાવવાને વીર પ્રયત્ન પણ તેવો જ ચાલુ હતો, તે ભેગું મદનપવનને અટકાવનાર ગાન પણ તેમજ ચાલ્યું:-