પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૦૭


“પવન ! મર્યાદ ના તોડ !
“વીખેર ન વાળી આ સોડ!
“ઝીણું મૃદુ ચુંદડી આ તું
“ઉરાડ ન ! અંગ શરમાતું.
“સુ-ગડ ઘટ પાટલી વાળી,
“નદીમૂળ છાતી [૧]જ્યમ ઝાડી;
“પવન ! આ અંહી જ ર્‌હેવા દે !
“મદન ! તુજ બાણ સ્હેવા દે !

“આટલે સુધી સહું છું – આગળ વિશ્વાસ નથી – પવન ! મદન ! હવે બસ કરો ! Now have done with your nonsenses ! હરિ ! હરિ !”

નેત્રમાં ઘડીક રતાશ ને ઘડીક આંસુ જણાતાં હતાં અને શીત જ્વરથી પોતે કમ્પતો હોય એમ શરીરમાં ત્હાડ વાવા લાગી. તેવે કાળે વળી મૂર્છાવશ મુખ ઉપર જોઈ રહ્યો ને ફરી જાગ્યો હોય એમ થયું, અને એમ જાગતાં જાગતાં ઝોકાં પણ ખાતેા હતેા.

“લતા કરમાઈ આ શોકે,
“મધુરતા ન મુકતી ત્હોયે !
“કિરણ શશીનાં પ્રકટ એ કરે !
“ન જેવાનું હું જોતો ! અરે !
“હું લોભી છું, હું લોભાતો;
“હું દુઃખી છું, હું દુઃખાતો;
“હું ઝેરી છું, હું વિષ વાતો,
“પ્રિયા-ઉરમાં હું વિષ લ્હાતો !
“પ્રિયા ! મૂર્છા તું છોડી દે !
“શરમની ગાંઠ તેાડી દે !
“તું કાજે હું કરું શું ? ક્‌હે!
“હૃદયપર શલ્ય શાને વ્હે ?”

મુખ ઉપર કંઈક ઉત્સાહ જણાયો, ને બોલતાં બોલતાં હાથ ઉંચો થયો.


  1. ૧. છાવું એ ધાતુ ઉપરથી છાતી એટલે ઢાંકતી.