પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૦૮


“હવે આવ્યાં નવે દેશે,
“હવે ફરીયે નવે વેશે;
“નથી સંસારની ભીતિ;
“ત્યજી સંસારની રીતિ.
“સગાં સંસારનાં છોડ્યાં,
“છુટ્યાં તેઓથી તરછોડ્યાં.
“વિશુદ્ધ જ સાધુને પન્થા !
“ધરીયે આપણે કન્થા. [૧]
“ગિરિવર રમ્ય પાવન આ;
“જગતમાં ના જડે એ સમા;
“અંહી એકાન્ત ને શાન્ત [૨]
“વસીયે, વ્હાલી, રહી દાન્ત.[૩]

“કુમુદસુન્દરી ! તમને જગાડવાને જેટલા અગ્નિમાં ચાલવું પડે તેટલા અગ્નિમાં ચાલીને પણ તમને જગાડવા પ્રયત્ન કર્યા વિના છુટકો નથી. અદૃશ્ય સીતાએ મૂર્છિત રામચંદ્રને જે અધિકારથી કરસ્પર્શ કર્યો પવિત્ર ભવભૂતિએ વર્ણવેલો છે તે જ અધિકારથી તમને જાગૃત કરવા તેવો જ પ્રયત્ન કરું છું તે ક્ષમા કરજો ! તમારી કે મ્હારી આ અવસ્થા હવે મ્હારાથી જોવાતી નથી, વેઠાતી નથી.”

કુમુદ મૂર્છાથી કંઈક છુટી થતી હોય અને મૂર્છામાંથી નીકળી નિદ્રામાં પ્રવેશ કરતી હોય એમ એના શરીરની શિથિલ થતી નસોની પ્રત્યક્ષ થતી કોમળતાથી લાગ્યું – એટલામાં તે ખોળામાં ને ખોળામાં એણે પાસું ફેરવ્યું ને આના ઉરોભાગને એના ઉર:સ્થલનો કંઈક સ્પર્શ થતાં જેવી મદનની લ્હેરોની તેવી જ ધર્મભંગની જાગૃતિની સાથેલાગી ચમત્કૃતિ સરસ્વતીચંદ્રમાં પ્રકટ થઈ. ચોમાસાના જળથી ભરેલા આકાશવ્યાપી મેઘમાં જેમ એકપાસ જળની યામતા, શીતતા, અને જડતા વધવા માંડે તેમ બીજી પાસથી વીજળીના ચમકારા ને ત્રીજી પાસેથી ગર્જના થઈ પરિણામમાં મેઘ દ્રવવા - વૃષ્ટિ કરવા – માંડે તેમ અત્યારે મદન અને ધર્મવિચારો વચ્ચે ડોલતા સરસ્વતીચંદ્રને થયું.


  1. ૧. સાધુજનોને પ્હેરવાને ભગવું વસ્ત્ર.
  2. ર. જેણે અન્તરિન્દ્રિયોનો શમ એટલે શાન્તિ પ્રાપ્ત કરી છે તે.
  3. ૩. બાહ્યેન્દ્રિયોનો દમ એટલે દમન જેણે કરેલું છે તે.