પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૧૦


“નવા વિશુદ્ધ ધર લોભ !
“મને તે લોભમાં યોજ”

કુમુદના શરીરના મર્મભાગમાં રહેલા અંતરાત્માને ક્‌હેતો હોય તેમ હવે નેત્ર મીંચી ક્‌હેવા લાગ્યો.

“પ્રિયા ! મૂર્છાથી છુટી થા !
“પ્રિયા ! ખેાળેથી બેઠી થા !
“દિવસ દુખના ગયા ન્હાશી !
“ભર્યો તુજ કાજ રસરાશિ.”

સરસ્વતીચંદ્રની અંતદૃષ્ટિ ઉઘડી. કુમુદના અંતરાત્માને ક્‌હેતો હોય તેમ મીંચેલી આંખેજ ક્‌હેવા લાગ્યો.

“પ્રિયા ! મૂર્છાથી છુટી થા !
“પ્રિયા ! ખોળેથી બેઠી થા !
“ઉધાડી આગળા[૧] દેને !
“મનઃપૂત, ત્હારું ગણી, લેને !”

ગાન બંધ રહ્યું પણ ઉભયની બીજી અવસ્થા હતી એવીને એવી રહી. કુમુદસુંદરી ખોળામાં જ અચેતન રહી. એના માથા નીચે ને પગ નીચે જ સરસ્વતીચંદ્રના હાથ રહ્યા. સરસ્વતીચંદ્રની આંખો મીંચાયેલી જ રહી. એ પોતે બેઠો હતો તેમ જ બેઠેલો જ રહ્યો. પવન વાતો હતો તેમ વાતેાજ રહ્યો અને ચન્દ્રનો પ્રકાશ જ્યાં પડતો હતો ત્યાં જ પડી રહ્યો. એક ફેર માત્ર એટલો પડ્યો કે સરસ્વતીચંદ્રનો જીવ કંઈક ઉંડો ઉતરી પડ્યો હોય એમ એનું બાહ્ય ચેતન એના અન્તરાત્મામાં લીન થયું, અને એ આમ નિવૃત્ત થયો એટલે સ્વતંત્ર થયેલા પવનની નિરંકુશ લહરીઓથી કુમુદનું વસ્ત્ર ફરફરવા લાગ્યું, બીજો ફેર એ પડ્યો કે ગાન શાંત થતાં કુમુદનું મસ્તિક ગાનની અસરની પરિપૂર્ણતાથી કે ગાનની શાન્તિથી શાન્ત થયું અને એની મૂર્છા ત્રુટી કે નિદ્રા છુટી. તેમ થતાં પ્રિયસ્પર્શના મોહથી પોતાને સ્વપ્નમાં માનતી અથવા આનંદસ્વપ્નમાં પડતી કુમુદ કેટલીક વાર સુધી એમની એમ હાલ્યાચાલ્યા વિના ખેાળામાંજ પડી રહી. પડી રહી તે પવનથી ઉડેલા વસ્ત્રના ભાને જાગૃત થઈ અને આંખ ઉધાડી. પૃથ્વી- ઉપર આકાશમાં ચંદ્ર લટકે તેમ પોતાના ઉપર ઉંચે લટકતું પ્રિયમુખ બે ચાર પળ સુધી આ ઉઘડેલી આંખે જોયાં કર્યું અને અંતરાત્મા જાગ્યો


  1. ૧. બારણાંને વાસવાના આગળા