પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૨૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૪


કુમુદ૦– મ્હારે પણ એમ જ ગણવાનું કારણ છે. આપના પવિત્ર ખોળાને દૂષિત કરી આ શરીર તેમાં પડી રહ્યું હતું ત્યારે બોલવાની કે હાલવા ચાલવાની મ્હારામાં શક્તિ ન હતી ને નયન બંધ હતાં તે ઉઘાડવાની શક્તિ ન હતી; પણ કાન ઘણો કાળ જાગૃત હતા. કાચના ગોળામાં રાખેલો જન્તુ કાચમાંથી બહારની સૃષ્ટિનું અવલોકન કરી માંહ્યને માંહ્ય ફર્યા કરે અને બ્હારના પદાર્થોની ગતિથી ચમકે તેમ કાચ જેવા જડ પણ મ્હારાથી પારદર્શક મ્હારા શરીરમાં મ્હારા હૃદયની સ્થિતિ એ જન્તુના જેવી પરાધીન જાગૃત હતી. આપના તપોમય સ્નેહના મધુર ઉદ્ગાર પણ મ્હારા કાનમાં ને હૃદયમાં તે કાળે જ કંઈક આવ્યા અને મ્હારા અનેક સંશયને તેમણે દૂર કર્યા.

સરસ્વતીચંદ્ર ચમકયો.

“ત્યારે મ્હારે માટેનો તમારો અભિપ્રાય ઘણે હલકો થઈ ગયો હશે !”

કુમુદ૦– શા માટે ચમકો છો ? જે વસ્તુના અજ્ઞાને અને સંદેહે સુવર્ણપુરમાંની મ્હારી સ્થિતિના કરતાં વધારે દુ:ખ મને દીધું હતું તે આ ઉદ્ગારોથી મને પ્રકટ થઈ છે. અને તેથી તો દુ:ખ દૂર થયું છે; અને આપનું દુઃખ કંઈ દૂર કરવાની મ્હારામાં શક્તિ છે અને તેમ કરવાનો સાધુજનોએ પ્રસંગ આપ્યો છે તે સફળ કરવાનો માર્ગ પણ આ ઉદ્ગારોથી જ મને જડશે.

સર૦- મનની પરવશ દશામાં નીકળેલા ઉદ્‌ગારોથી મ્હારો ન્યાય કરવો ઉચિત નથી.

કુમુદ૦- એ ન્યાયથી આપને કંઈ કલંક લાગતું નથી.

સર૦- ચંદ્રનું કલંક તો બ્રહ્માયે જ ઘડેલું લાગે છે પણ તેને ઢાંકનારી વાદળીનો પડદો હતો તે પવને ખસેડી નાંખ્યો.

કુમુદ૦- ચંદ્ર અને કુમુદને પરસ્પર પ્રત્યક્ષતા કરાવનાર એ પવન બહુ પરગજુ નીવડ્યો ! સરસ્વતીચંદ્ર ! હું તમારી - આપની – પાસે હું શું કહું ?

સર૦– મને “આપ” ન ક્‌હેતાં આપણા આદિકાળને સ્મરી “તમે” કહીને બોલાવો, એટલે બાકીનું બીજું જે જે ક્‌હેવાનું હશે તે જાતે જ ક્‌હેવાઈ જશે. !

“આદિકાળ સ્વપ્નવત્ થયો – જતો રહ્યો ! હવે તો હું પણ બદલાઈ ને તમે પણ બદલાયા. જે વિશેષણ એકના મુખને અને બીજાના કાનને અમૃતરૂપ અને ભૂષણરૂપ હતાં તેનો હવે ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો પડે છે." કુમુદે નિ:શાસ મુકી કહ્યું.