પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૩૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૧૭


સર૦– જે પંચમહાયજ્ઞનો ગુરુજીએ, આપણને બેને ઉદ્દેશી, ઉપદેશ કર્યો તે આ દેશના તેમ પાશ્ચાત્ય દેશના સાધુસમાજને પ્રિય છે અને તે જ ન્હાનપણથી પ્રિય ગણેલો મ્હારો ધર્મ, ને તે જ તમારો ધર્મ. બાકીની ધર્મકથા સંસારીઓને માટે છે – આપણે માટે નથી.

કુમુદ૦– તો મ્હારા ચંદ્ર, તમે કરેલા સર્વ ત્યાગની કથા, અને તેમાં તમે જે ધર્મ ધાર્યો હોય તે, ક્‌હો. મને મ્હારું સુખ તેમાં જ લાગે છે ને તે સર્વ વિચારી મ્હેં જે પ્રશ્નો ગણી ગાંઠી કરેલા છે તે સર્વના ઉત્તર આપી મ્હારા મનનું સમાધાન કરે અને એમ કરતાં કોઈ અનર્થના ભયથી આંચકો ખાશો નહી.

સર૦– જો એમ જ છે તો કુમુદસુંદરી – મધુરી - મધુરી, સાંભળી લ્યો. મ્હારે મ્હોંયે મ્હારે મ્હારી મૂર્ખતા કે દુષ્ટતા કહી બતાવવી પડે તો તે પણ એક પ્રાયશ્ચિત્ત જ છે ને પ્રાયશ્ચિત્ત તે હું ઇચ્છું છું જ. પિતાનો અને લક્ષ્મીનો ત્યાગ મ્હેં શાથી કર્યો પુછો છો ? એ ત્યાગ મ્હેં પિતા- માતાને દુ:ખમાંથી અને પુત્રયજ્ઞના ઋણમાંથી મુક્ત કરવાને માટે કર્યો, મ્હારી અને તમારી પ્રીતિ થાય તે તેમને ગમતું હશે અને તેથી જ તેમને સુખ હશે જાણી, તમારું દર્શન કે અભિજ્ઞાન સરખું ન હોવા છતાં પિતાએ તમારી સાથે કરેલ મ્હારો વિવાહ મ્હેં સ્વીકાર્યો. આ સ્વીકાર મ્હેં શા માટે કર્યો એમ તમે પુછશો. હું કહું છું તે માનવું હોય તો માનજો કે પિતાની તૃપ્તિ વિના બીજું કાંઈએ પ્રવૃત્તિનું પ્રયોજન મ્હારે ન હતું. મ્હારી વાસનાઓ ન્હાનપણમાંથી ઘર છોડવા અને સંસારના મર્મભાગ જોવા માટે પ્રવાસ કરવાની હતી તે તમે જાણો છે. મને લક્ષ્મીની વાસના ન હતી તે જાણો છો. માટે જ માની શકશો કે તમારા વિવાહનો સત્કાર, પ્રથમ પળે, કેવળ પિતૃયજ્ઞમાં મ્હારી સૂક્ષ્મ વાસનાઓની આહુતિરૂપે હતો, પિતાએ માંડેલા પુત્રયજ્ઞમાં તેમના ભણીથી આરંભેલા આતિથેયના સ્વીકારરૂપે હતો. એક મંગળ મુહૂર્તમાં મને તેમણે વિદિત કર્યું ને મ્હેં જાણ્યું કે તમારી પ્રીતિના યજ્ઞમાં આદરેલી મ્હારી આહુતિ તેમને પ્રિય નથી. મ્હેં તમારી સુન્દર છબી કરાવી તેના દર્શનથી પ્રીતિરસ પીધો. હું તમને મળી ગયો. આપણો પત્રવ્યવહાર ચલાવ્યો. મ્હેં તમને આપવા વીંટી કરાવી. એ સર્વ માતાપિતાને ન રૂચ્યું, ને તમારે માટે વિપરીત ભાવના કરી તેમણે દુઃસહ આરોપ મુક્યા. જે કારણથી તમારો વિવાહ સ્વીકાર્યો હતો તે કારણ ખોટું પડ્યું. જે કારણથી ગૃહ અને લક્ષ્મીનો સ્વીકાર હતો તે કારણ ખોટું પડ્યું. મ્હારા સુખ કરતાં મ્હારો ત્યાગ માતા