પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૩૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૨


કુમુદ૦– તમે એમને શાન્તિ ઇચ્છી હશે; પણ તમારા ત્યાગથી શાન્તિને સ્થાને તેમને શોક નહી થયો હોય એમ તમે માનો છો ? એવા શોકની અવગણના કરવી અને તેમની એકાદ ભુલ મનમાં આણવી એ શું પુત્રધર્મ છે કે ક્ષમા છે?

સર૦– એમને શોકે એમના હૃદયમાં અનુતાપ કર્યો હશે, વર્તમાનપત્રોથી તેમ જણાય છે. પણ આ વાતમાં એ ધર્મનું તારતમ્ય મને જુદો માર્ગ બતાવે છે. મ્હારા દોષ વિના તેમની મ્હારા ઉપર અપ્રીતિ થઈ તેમાં મને ઇષ્ટાપત્તિ છે; કારણ પ્રીતિ દુ:ખનું કારણ થાય છે ને આ અપ્રીતિથી મ્હારા સંબંધી વાસનાઓ તેમના હૃદયમાંથી એાછી થાય ને એ મને ભુલે તેટલો હું પિતૃયજ્ઞમાંથી મુક્ત થઉં. બાકી તેમના ઉપરની મ્હારી પ્રીતિ હતી એથી વધી છે ઘટી નથી. માત્ર મ્હારા મનોરાજ્યના સૃજેલા ધર્મબંધનથી બંધાઈને હું એ પ્રીતિની વાસનાઓને શાંત કરું છું. જે કારણથી મ્હારી વાસનાઓને હું શાંત કરું છું તે જ કારણથી એમની વાસનાઓને તૃપ્ત કરવાની મ્હારી વાસનાને પણ શાંત કરું છું ને એમના શોકના અનુતાપમાંથી તેમને મુક્ત કરવાની મ્હારી વાસનાને પણ શાંત કરું છું. સંસારમાં મનાતા ધર્મ પ્રમાણે, સંસારની પ્રીતિના નય પ્રમાણે, એ શોકની અવગણના અધર્મ્ય છે, પણ સાધુજનોના અધ્યાત્મ ધર્મનો પન્થ જુદો છે ને મુંબાઈ છોડતા પ્હેલાં મ્હેં તેનો વિચાર કર્યો હતો. પિતાપુત્રાદિ સર્વ સંબંધ ભ્રમરૂપ છે, આકસ્મિક છે, અને અનિત્ય છે. મરણાદિથી એ ભ્રમ દૂર થવાનું કારણ પ્રાપ્ત થયા પછી પણ મનુષ્યો પોતાના અજ્ઞાનને લીધે એ ભ્રમમાંથી મુક્ત ન થતાં અનુતપ્ત થાય છે. અતિથિસત્કારને માટેના ધર્મમાંથી પિતાએ મુક્ત કરેલો યજમાન સાધુ પુત્ર અન્ય મહાયજ્ઞો માટે પ્રવૃત્ત થાય ત્યાં કુટુમ્બજનને થતાં અનુશેાચનને ભ્રાન્ત કે ક્ષણિક ગણી પોતાને પંથે પળવાને એ સ્વતંત્ર છે.

કુમુદ૦– આપના યજ્ઞ કરવાનું પિતાએ અપમાન કરતા સુધી સુઝ્યું ન હતું. આ યજ્ઞવિધિ પણ આજસુધી આ૫ જાણતા ન હતા. એ અપમાનાદિને તો આપે નિમિત્ત કર્યાં. એ નિમિત્ત થયાં ન હત તે આ જ્ઞાનવિચારનો પ્રયોગ આપ કરત નહી.

સુર૦- ખરી વાત છે કે ગુરુજીનો ઉપદેશ આજ જ સાંભળ્યો. પણ મ્હારી પોતાની બુદ્ધિથી જે નીતિ અને જે ધર્મ મને ઘણા કાળથી યોગ્ય લાગ્યા છે તે નીતિધર્મના વિધિઓમાં અને આ યજ્ઞકાર્યના વિધિઓમાં નામફેર વિના બીજા ફેર સ્વલ્પ છે, ને આજ યજ્ઞકથા તમે સાંભળી માટે યજ્ઞકાર્યની ભાષામાં મ્હારાં કારણ તમારી બુદ્ધિને અનુકૂળ થશે જાણી એ