પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૩


ભાષામાં તમારી સાથે વાત કરું છું. બાકીના પ્રશ્નોના ઉત્તરમાં ક્‌હેવાનું કે સત્કાર્યમાં કંઈ ન્હાનો પ્રસંગ પણ નિમિત્તભૂત થાય તો તેનો લાભ લેવામાં ચતુર સાધુએ ચુકવું નહીં એવો ધર્મ છે. બોધિસત્ત્વ શેઠ દુકાનમાં બેઠા બેઠા કામ કરતા હતા તેના કુટુમ્બજનોમાં ભ્રાન્તિથી ગપ ચાલી કે શેઠ પ્રવ્રજિત થયા અને ગૃહિણી આદિ સર્વ જન શેઠ મુવા હોય એમ અનુતપ્ત થયાં. તે પ્રસંગથી જ સૂચના પામી શેઠ પ્રવ્રજિત થઈ વનમાં ચાલ્યા, અને શોક કરતાં કુટુમ્બજન પછી મળ્યાં તેમને મધુર અક્ષર કહી પાછાં વાળ્યાં તે વળ્યાં. આપણામાં કલ્યાણ ધર્મ છે એવી લોકમાં વાત ચાલે તો તે સત્ય કરવી યોગ્ય ગણી[૧] શેઠ ચાલ્યા ગયા. તો મ્હેં તો મ્હારે માટે યજમાનની અપ્રીતિ સ્પષ્ટ દેખી તેનું ગૃહ છોડ્યું છે.

કુમુદ૦– અનુતાપથી તપતી તેમની પ્રીતિને આપે કેવળ શુષ્ક ગણીને પ્રીતિમાત્રને મિથ્યા ગણીને પિતાનો ત્યાગ કર્યો ? જો તેમની પ્રીતિ શુષ્ક ગણી તો મ્હારી પ્રીતિ કેવી ગણી ? અને જો પ્રીતિમાત્રને મિથ્યા ગણી પિતાનો અને મ્હારો બેનો ત્યાગ કર્યો હોય તો મ્હારે માટે આટલા તપો છો કેમ અને તેમના દુ:ખનું નિવારણ કરવા મુંબાઈ જવાનું કેમ ધારતા નથી ? શું પિતાના કરતાં મને વિશેષ ગણો છો ?

સર૦- આ મનુષ્ય ન્યૂન અને આ મનુષ્ય વિશેષ એવી ગણનાઓ સંસારમાં રાગદ્વેષ પ્રમાણે થાય છે. સાધુજનો એવી ગણના સામાના ગુણ પ્રમાણથી અને પોતાના ધર્મપ્રમાણથી કરે છે. મધુરી, સ્ત્રી કરતાં માતા અધિક અથવા માતા કરતાં સ્ત્રી અધિક એવી ગણનાઓ પોતપોતાના રાગદ્વેષ પ્રમાણે અને સ્વભાવ પ્રમાણે સંસારીયો કરે છે. સત્ય જોતાં, માતા પણ અતિથિ છે અને સંસારની રીતે પરણાવેલી સ્ત્રી પણ અતિથિ છે. તે બે જણનો યજમાન પોતાના ધર્મનો ક્રમ કેવાં ધોરણે રચે છે તે ગુરુજીએ તમને સમજાવ્યું છે. સાધુઓના ધર્મના આવા ક્રમથી રામે કૌશલ્યાને દશરથ પાસે રાખ્યાં, અને સીતાને પોતાની સાથે લેવાનો નિશ્ચય કરતી વેળા “આ વાતમાં માતાપિતા સંમત


  1. १.कल्याणधर्मेति यदा नरेन्द्र संभावनामेति मनुष्यधर्मा ।
    तस्या न हीयेत नरः सधर्मा ह्रियापि तावद्धुरमृद्धरेत्ताम् ॥
    संभावनायां गुणभावनायां सदृश्यमानो हि यथा तथा वा ।
    विशेषतो भाति यशःप्रसिद्धा स्यात त्वन्यथा शुष्क इवोदपान:॥
    जातकमाला.