પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૫


નીચી નમી ગઈ હતી, તે પવન જતાં ટટ્ટાર ઉભી થઈ પ્રથમના કરતાં વધારે તેજથી બળતી હશે. તેમની પ્રીતિ શબરૂપ થઈ ન હતી માત્ર મૂર્છાવશ થઈ હતી. જેવી કૃપા કરી મને આપે આ પવિત્ર ખોળામાં મ્હારી મૂર્છાકાળે જાળવી રાખી અને અત્યારે આમ ગેાષ્ઠીસુખ આપો છો, તે જ ન્યાયે તેવી જ કૃપાથી પિતાની મૂર્છાવશ પ્રીતિની આપે પળવાર સંભાવના કરી લેવી હતી. ઓ મ્હારા ચંદ્ર ! આ ખગ્રાસમાંથી મુક્ત થઈ પિતાના હૃદયાકાશને પાછું પ્રકાશિત કરો ! મ્હારું તો થયું તે થયું ! પણ જેનું મહાદુ:ખ – વૃદ્ધાવસ્થાનું દુઃખ - વિચારથી કળાય નહી અને આંખોથી જોવાય નહી એવું હશે અને જેનો ઉપાય માત્ર તમારા એકલાના જ હાથમાં છે તેને તમે તરત શાંત કરો. તેમ નહી કરો તો ગયો કાળ આવશે નહી અને દશરથરાજાની પેઠે તેમના શરીરને કોઈ મહાન્ અનર્થ થઈ જશે તો તમને અતુલ પશ્ચાત્તાપ થશે ! તે પશ્ચાત્તાપનું પ્રાયશ્ચિત્ત આપના હાથમાં નહી ર્‌હે અને આપને એક દુઃખમાં તપ્ત થતા જોઉં છું તેને બીજા દુ:ખાગ્નિની જ્વાળામાં પડેલા જોઈશ ! જો મને સુખી કરવાને ઈચ્છતા હો તો આ દુઃખ મ્હારે જોવા વેળા ન આવે એવું અત્યારથી કરો ! મ્હારા ચંદ્ર ! હું આપને બહુ સવેળા ચેતાવું છું અને પગે લાગી ખોળો પાથરી માગી લેઉં છું !

સર૦– તમે મ્હારી ભુલ ક્‌હાડી અને તે ખરી ક્‌હાડી છે મને અત્યારે કંઈક રોષ ચ્હડ્યો એટલી વાત તમે સત્ય સમજ્યાં. પણ ત્યાગકાળે તો પિતા ઉપર કે કોઈ ઉપર રોષ ન હતો. હું પિતાના મન્દિરમાં તમારી સાથે રહું તો તમને કેવાં દુઃખ થવાનાં તેનો પિતાનાં મર્મવાક્યોએ મને શુદ્ધ પ્રત્યક્ષવત્ તર્કવિચાર કરાવ્યો હતો. અને એમના ગૃહમાં રેહેવું અને તમારી સાથે લગ્ન કરવું, એ બે વાનાં સાથેલાગાં કરવાં તો તે કાળે જ વજર્ય ગણ્યાં હતાં એ અત્યારે સાંભર્યું. પણ તે નિર્ણય રોષપૂર્વક કર્યો ન હતો, વિચારપૂર્વક કર્યો હતો. પણ આજ સુધીમાં મને આજના જેવો પણ રોષ ચ્હડયો નથી, ત્યાગકાળે પણ ચ્હડ્યો નથી, અને અત્યારે ચ્હડ્યો છે તે પણ પિતા ઉપર નથી ચ્હડ્યો. માત્ર આપણા લોકતંત્રમાં વ્યાપી ગયેલી જે અવ્યવસ્થાને બળે તમારાં જેવાં પુષ્પ ધુળમાં રગદોળાય છે અને શુદ્ધ પ્રીતિતંત્રની વાડીઓ દેશમાંથી નષ્ટ થઈ છે તેનું દૃષ્ટાંત પ્રત્યક્ષ થતાં માત્ર મ્હારું ચિત્ત અત્યારે ઉકળી આવ્યું ! તમે એ અવ્યવસ્થાનાં ભોગ થઈ પડ્યાં છો, આજ સુધી જેના ઉપર મ્હારું ધ્યાન ગયું ન હતું એવી તમારી મધુરતાના રસનું હું અત્યારે પાન કરુંછું ને