પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૬

આવો મધુર જીવ- આવું મધુર શરીર – આ અવ્યવસ્થાનો ભોગ થઈ પડ્યાં છે અને હું તે પાપકર્મમાં સાધનભૂત થયો છું – એ સર્વ વિચાર મ્હારા આ ઉકળાટને બહુ વધારી મુકે છે. ત્યાગકાળે આટલી વાત પ્રત્યક્ષ હત તો હું શું કરત તે ક્‌હેવાતું નથી, પણ એટલું તો પૂર્ણ રીતે સ્મરણમાં છે કે આવો પણ રોષ તે કાળે મને ન હતો.

કમુદ૦– તો પિતાના દુઃખનું નિવારણ કરવા આપે પાછાં કેમ ન જવું તેનો શાંત વત્સલ વિચાર હવે કરો.

સર૦– જે પ્રશ્નો તમે પુછો છો તેવાજ પુછનાર મિત્ર ચન્દ્રકાન્ત ત્યાગવિચારને કાળે પાસે હતો, ને તેણે તેનો પક્ષવાદ રાત્રિના બાર વાગતા સુધી કર્યો હતો. તેના ગયા પછી આખી રાત મ્હેં શાંતિથી વિચાર કરીને ત્યાગ કર્યો છે.

કુમુદ૦– એ વિચાર શો કર્યો હતો ?

સર૦– તમે સાધુજનેામાં આવ્યાં છો ને તેમની પ્રીતિ જુવો છો; એ નિષ્કામ પ્રીતિ છે અને તે માટેજ સર્વદા પૂજનીય છે. સંસારી જનોની પ્રીતિ સકામ હોય છે માટે તેનો સત્કાર એ પ્રીતિમાંની કામનાની યોગ્યતા પ્રમાણે જ કરવાનો પ્રાપ્ત થાય છે. બે પાસની કામના હોય ત્યારે બે જણની કામનાની તૃપ્તિથી પ્રીતિનું આયુષ્ય પૂર્ણ થાય છે. એક પાસની કામના હોય ત્યારે તેની તૃપ્તિથી પ્રીતિનું આયુષ્ય પૂર્ણ થાય છે. કામના નષ્ટ, શાંત, અથવા પૂર્ણ થયા પછી આવી પ્રીતિનું તો શબ જ સમજવું. "આત્માના કામને ઉદ્દેશીને સર્વ પદાર્થ – પુત્ર, સ્ત્રી, પિતા માતા, આદિ સર્વ પદાર્થ પ્રિય થાય છે” એવી શ્રુતિ આવી પ્રીતિને માટે યથાર્થ છે. કામનાવાળા જે અતિથિની કામનાને યજમાનની અપેક્ષા ર્‌હેતી નથી તે યજમાને તે કામનાવાળા અતિથિની પોતાના ઉપરની પ્રીતિનો તે પ્રસંગ પછી પણ સત્કાર કરવો એ સંસારમાં રૂઢ છે, પણ સાધુજનોનાં ચિત્ત તેવે કાળે આ મિથ્યા પ્રીતિના પાશમાંથી છુટા થવાનો ધર્મ જુવે છે તે ધર્મ મ્હેં જોયો ને લેઈ લીધો.

કુમુદ૦- એમ છુટા થવું તેને ધર્મ શા માટે ગણો છો ? ઘરમાં રહીને પણ સર્વ ધર્મની સાધના કેમ ન થઈ શકે ? પિતાના દુઃખનું નિવારણ એ શું તમારો ધર્મ નહી ? શું મ્હારા સસરાજીએ વિકટ કારભારતંત્રમાં રહી તપ કર્યું નથી ? કે શું મ્હારાં ગુણીયલે કુટુમ્બજાળમાં રહી તપ કર્યું નથી?

સર૦- જેને જે સ્થિતિ સ્વભાવથી મળે તેણે તે સ્થિતિયોગ્ય તપ આદરવું ઉચિત છે. જેનો સ્વભાવ કામનારૂપ હોય તેણે તેને અનુકૂળ કામ કરવું, બુદ્ધિધનભાઈને કારભારની કામના તીવ્ર હતી. હું મૂળથી નિષ્કામ