પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૭

છું. તમારાં પવિત્ર જનનીને કુટુંબજાળમાં સ્થિતિ પ્રાપ્ત થઈ , અને પોતાના ગુણોત્કર્ષથી તમારા પિતા સાથે અદ્વૈતયજ્ઞમાં સહચારનો ધર્મ તેમને પ્રાપ્ત થયો અને એ યજ્ઞને પુણ્યે એમની અદ્વૈતકામના સિદ્ધ થઈ છે. મ્હારે કામના કંઈ નહી અને પિતાની પુત્રકામનાઓમાંથી એક વાર મુક્ત થઈ આજ આ સ્થિતિને હું પામ્યો તે મ્હારું સદ્ભાગ્ય જ. પિતા મ્હારા વિયોગથી અથવા પોતાના પશ્ચાત્તાપથી અત્યારે દુઃખી હશે. તેઓ દુ:ખી નહી થાય એમ મ્હેં ધાર્યું જ ન હતું. પણ જે એ દુ:ખમાંથી મુક્ત કરવા હું ઘેર રહ્યો હત તો ગુમાનબાની વૃત્તિના અનુરોધનો તેમનો ધર્મ તેમને વિશેષ દુ:ખ કરત અને અત્યારે પાછો જઉં તો તેમને તરત સુખ થાય પણ પરિણામે એનું એ દુ:ખ મ્હારા અને તેમના આયુષ્યના સમાગમપર્યંત થાય. મ્હેં તેમને આવા આયુષ્યપર્યંતના વિશેષ દુ:ખમાંથી મુક્ત કર્યા અને તેમ કરતાં તેમને આટલું અન્ય દુ:ખ થાય. તેમાં મ્હારો ઉપાય નથી. આવા પ્રસંગો સંસારના બન્ધમાંથી મુક્ત કરે છે ને ત્યાગીને ત્યાગનો અધિકાર આપે છે. વળી મ્હારા પાછાં ગયાથી તેમને સુખ થવાનું હોય તો થાય પણ ગુમાનબાને તો મ્હારા પાછા જવાથી અધિકતર દુ:ખ થવાનું તેનું કારણ હું થવા ઈચ્છતો નથી. મ્હારે જે વૈભવ જોઈતો નથી તે વૈભવવાળા ગૃહનો સ્વીકાર કરું તો ગુમાનબાને ફરી કુંફવાડા કરવા પડે ને પિતાને સાંભળવા પડે. આ શમસ્થાનનો ત્યાગ કરાવી આવા વિગ્રહ સ્થાનમાં મને મોકલવાનું તમે નહીં ઈચ્છો !” [૧] વળી એકને સુખી કરવા બીજાને અથવા બેને પણ આમ દુ:ખી કરું તો તો અધર્મ જ થાય, પરિણામનો કે ધર્મનો જે વિચાર કરું છું તેથી એ જ નિશ્ચય દૃઢ થયાં કરે છે કે મ્હારે પાછાં જવું તે અધર્મ છે; અને અધર્મમાંથી દૂર થવાને પ્રસંગે પિતાને, મને, કે તમને કે અન્યને થવાનાં લાભહાનિ જોવાનાં નથી. જ્યાં સુધી ગૃહવાસનો ધર્મ છે ત્યાંસુધી તે સ્વીકારવો, જ્યાં તે અધર્મરૂપ થાય ત્યાં તેનો ત્યાગ કરવો. પ્રવૃત્તિના પરાક્રમધર્મ ગૃહવાસસ્થિતિથી પ્રાપ્ત થાય તો તે અન્તઃશમથી પાળવાના છે, અને અન્ય સ્થિતિથી પરાક્રમશક્તિ વિરામ પામે તો દમસ્થિતિ જ પ્રાપ્ત થાય છે. ધર્મથી નિષ્કામ કર્મ કરનારને ઉભય વૃત્તિમાં શમ જ છે અને તેથી જ ધર્મમાર્ગનો પ્રશમરૂપ એક જ રસ કહેલો છે. ધર્મથી પ્રવૃત્તિની સ્થિતિવાળા જનો પોતાના માર્ગમાં જાતે આવતાં સુખનું


  1. तद्दर्जनीयान परिवर्हयन्तं परिग्रहान विग्रहहेतुभूतान् ।क्रोधोच्छिरस्कानिव कृष्णसर्पान्युक्तोसि माम देवन संनिषेद्धुम् ॥ (જાતકમાલા)