પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૯

તે કેઈ બુદ્ધિથી ? આ સર્વનો મ્હેં ત્યાગકાળે વિચાર કર્યો. તેમની પોતાની પ્રીતિ ગૃહસંસાર અને ગૃહવાસ ઉપર જેવી લાગી તેવી જ મ્હારા ઉપર પણ લાગી પણ વધારે કોના ઉપર હશે એમ મ્હેં મ્હારા મનને પુછ્યું. જો ગૃહ ઉપર તેમને વધારે પ્રીતિ હોય તો તેઓ ઘેર ર્‌હેવાને સ્વતંત્ર છે તો તેમનો મ્હારા જવાથી થવાનો અશ્રુપાત કંઈક મ્હારે માટેની પ્રીતિને લીધે હોવો જોઈએ. જે મ્હારા ઉપર ગૃહવાસ કરતાં વધારે પ્રીતિ હોય [૧] તો મ્હારી પેઠે ત્યાગી થઈ મ્હારી સાથે આવવાની હું કોઈને ના ક્‌હેતો નથી. છતાં ન ઘર છોડવા દે ને ન છોડીને આવે તો એમ સમજવું કે તેમની પ્રીતિ મ્હારા કરતાં ગૃહ ઉપર વધારે છે, અને ઘરને કે મને કોઈને ન છોડાતાં મ્હારો, તેમનો, અને પોતાનો ત્રણેનો સમાગમ રાખવામાં તેઓ પોતાનું સુખ માને છે અને તેથી મ્હારા કલ્યાણનો વિચાર તેમને સુઝતો નથી અથવા પ્રિય થતો નથી. અથવા તે મ્હારા ગુણમાં એવી કંઈ ન્યૂનતા છે કે જેથી આવું સ્નેહી મંડળ મ્હારી સાથે ત્યાગી થવા ઇચ્છે જ નહી – મ્હારામાં જ કંઈ નિર્ગુણપણું હોવું જોઈએ. [૨]નિર્ગુણ માણસને પણ આપત્તિકાળે બે ત્રણ મિત્ર તો હોય છે તો ગુણીજનને અનેક હોય પણ તેમાંથીયે તેની સાથે ઘર છોડીને આવવા નીકળનાર એક મિત્ર પણ અતિદુર્લભ હોય તે જ ગૃહત્યાગને સ્વાભાવિક ગણ્યું. [૩]વળી વિચાર કરતાં લાગ્યું કે મ્હારામાં ગુણ હશે તો કોઈ મિત્ર સ્નેહના બળથી પાછળ જાતે આકર્ષાશે, સ્નેહના ને મ્હારામાં ગુણ નહી હોય ને સાથે નહી આવે તો તેનો દોષ ગણવાનું કારણ નથી. જો મ્હારામાં ગુણ છતાં સાથે કોઈ ન આવે તો એમ સમજવું યોગ્ય લાગ્યું કે રોતાં કકળતાં આપ્તજન એક પાસ ગૃહવાસનાથી આકર્ષાય છે ને બીજી પાસથી મ્હારા ઉપરની પ્રીતિથી આકર્ષાય છે, આને બળે રુવે છે ને તેને બળે મ્હારા જેવો ત્યાગ કરવાનું તેમને સુઝતું નથી. જો તેમને તેમ સુઝશે તો મ્હારે ફરી વિચારવાનું કારણ થશે – જો નહી સુઝે તો તેઓ સંસારનાં સુખદુ:ખથી પ્રારબ્ધ પ્રમાણે આકર્ષાશે ને મરણકાળને બદલે અત્યારથી જ હું ગૃહવાસના બંધનમાંથી – કુટુમ્બ -


  1. मद्विप्रयोगस्त्वथ शोकहेतुर्मया समं किं न वने वसन्ति ।
    गेहानि चेत्कान्ततराणि मत्तः कोन्वादरो बाष्पपरिव्ययेन॥ जातकमाला.
  2. ममैव वा निर्गुंणभाव एष नानुव्रजन्त्यद्य वनाय यन्माम्।
    गुणावबद्धानि हि मानसानि कस्यास्ति विश्लेषयितुं प्रभुत्वम्॥ जातकमाला.
  3. द्वित्राणि मित्राणि भवन्त्यवश्यमापद्गतस्यापि सुनिर्गुणस्य।
    सहाय एकोऽप्यतिदुर्लभस्तु गुणोदितस्यापि वनप्रयाणे॥ जातकमाला.