પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૪૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૨

આપવાનું હાથમાં હતું તે આપીને હું ત્યાંથી નીકળ્યો ને અંહી આવ્યો. અત્યન્ત દુઃખને બળે અને શુદ્ધ પ્રીતિની જ્વાળાએ તમારું ગુપ્ત રહેલું ત્રીજું લોચન ઉઘાડ્યું અને તમે અંહી આવ્યાં ! કુમુદસુન્દરી ! તમારા ત્રીજા લોચનની જ્વાળાએ આજ મ્હારું પણ ત્રીજું લોચન ઉઘાડયું છે અને તમારા હૃદયમાં તો શું પણ તમારા શરીરમાં યે હું જુદી જ મોહક સુન્દરતા દેખું છું અને એ લેાચન હજી શું શું કરાવશે તે સમજાતું નથી. તમારે માટે ધર્મનો અત્યય કરવા હું તત્પર નથી – તમારો પક્ષપાત હું કરતો નથી – એ ધર્માત્યયની અને એ પક્ષપાતની સર્વ વૃત્તિનો અને શક્તિનો સૂત્રધાર તે આ ત્રીજું લોચન જ છે. આ લોચનના પ્રકાશ તમારી અને મ્હારી પાસે નવાં સ્વપ્ન ઉભાં કરાવે છે અને નવા અભિલાષ ઉભા કરે છે.

કુમુદ૦– એક વારના સાહસનું પરિણામ પામનારે બીજું સાહસ આરંભતા પ્હેલાં વિચાર કરવો જોઈએ. તમે ક્‌હો છો કે તમારી અનુવૃત્તિ કરી હું તમારી પાછળ આવી શકી હત તો તમે જુદો વિચાર કરત. તમે શું કરત ? ગૃહત્યાગ પડતો મુકત ? એ વેળા આ વીશે શો વિચાર કર્યો હતો ? હવેના આજના મ્હારા અનુભવ પછી મ્હારું ભાગ્ય કેવે માર્ગે લેવાનો અભિલાષ રાખો છો ? સર્વ પ્રશ્નો પુછયા પણ આ બે પ્રશ્નો પુછતાં મ્હારું હૃદય કંપે છે. સરસ્વતીચંદ્ર ! તમે મ્હારામાં એવો શો દોષ દીઠો હતો કે તમે જાતે મ્હારામાં ઊત્પન્ન કરેલી પ્રીતિની પરીક્ષા કરવાનું આમ બાકી ગણ્યું ? મ્હારા પિતાની વાત ગમે તે હો, પણ હું તો મુગ્ધ હતી, તમારાથી કાચે તાંતણે બંધાઈ હતી, મ્હારું હૃદય તમારામાં પરોવાયું હતું – વણાઈ ગયું હતું ! મ્હારી ચિન્તા તમારે જાતે કરવાની ન હતી? તમે તે ચિન્તા તે કાળે કેવી કરી અને અત્યારે કેવી કરો છો ? નકી, હવે તો મ્હારી પરીક્ષા સંપૂર્ણ થઈ હશે ? હું કેવી રીતે પાસ નપાસ થઈ છું તે કહી દ્યો – થોડા શબ્દોમાં રપષ્ટ વચન કહી દેજો – તમારા હૃદય ઉપર એક પાતળો સરખો પણ પડદો હવે ન રાખશો. હવે રાખશો તો કુમુદની ત્રીજી આંખ એનો પોતાનો જ પ્રલય કરશે તે નિશ્ચિત જાણજો. ઓ મ્હારા વ્હાલા ! આવું આવું સુન્દર વાંચેલું ને વિચારેલું તેનો આવો ક્રૂર પ્રયોગ આમ મ્હારા ઉપર જ કર્યો ?

આ બોલતાં કુમુદની આંખો આંસુથી છલકાતી હતી.

સર૦– હું એ સર્વ વાતમાં મ્હારો અપરાધ સંપૂર્ણ રીતે સ્વીકારું છું. મ્હારી મૂર્ખતા અને મ્હારો દોષ તમને વસતો ન હતો ત્યાં સુધી મ્હારું