પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૩

પ્રાયશ્ચિત્ત ન હતું. હું કેવો દુષ્ટ છું તે તમે આજ સમજ્યાં. અને હવે હું તમારી પાસેથી ક્ષમાનો કંઈ અધિકારી થયો હઉં તો તે મને આપજો ને ન થયો હઉં તો ગમે તે માર્ગે પણ મ્હારાથી તમારા અત્યંત દુઃખી મનને સુખ પ્રાપ્ત થશે તો તે જ આ દુઃખી જીવને શાંતિ આપશે.

કુમુદ૦– સરસ્વતીચંદ્ર ! આ દીનતા છોડીને મ્હારી જિજ્ઞાસા તૃપ્ત કરશો તો મને હજી તમારામાં એટલે સુધી વિશ્વાસ છે કે મ્હારી અને તમારી ઉભયની શાન્તિ અને તૃપ્તિ સાથે લાગી થશે. સંસાર દુષ્ટ છે તેમાં પડેલાં નિર્મળ પાણી મેલાં થાય છે. વિદ્યા રસાયણ જેવી છે તે વાપરતાં આવડે તો ગમે તેવા પાણીને નિર્મળ કરે અને ન આવડે તો તેમાં પ્રાણઘાતક રસ પણ ભરે. જ્ઞાન તો અગ્નિના જેવું છે ને તેના પર પડેલાં નિર્મળ અને મલિન ઉભય પાણી ઉડી જાય છે. નિષ્કામ અને ઉચ્ચ રસની પ્રીતિ એકલી જ પાણીમાં નિર્મળી[૧] પેઠે ગમે તે હૃદયમાં પડતાં વાર એ હૃદયને નિર્મળ કરી નાંખે છે અને તેને પીવા જેવું કરે છે. મ્હારા ચંદ્રની વિદ્યાએ મને ઠગી – અને એ વિદ્યાએ આપણો આવો વિયોગ કરાવ્યો. કુમુદ હવે એ વિદ્યાનો વિશ્વાસ નહી કરે. તમારી વિદ્યાને સ્થાને પરમ જ્ઞાન તમને પ્રાપ્ત થયું હોય અને આ ભગવી કન્થાએ તમારા પિતાના અભિલાષ સર્વથા નષ્ટ જ કર્યા હોય તો તે જ જ્ઞાન વડે મ્હારા પણ સર્વ વિકારનો નાશ કરી દ્યો. પણ તમે કેવળ જ્ઞાની નથી, તમારી પ્રીતિ જ્ઞાનનાથી છુટી પડી ગઈ નથી, ને તમે તમારી પ્રીતિને ઓળખતા નથી એટલી હું તેને ઓળખું છું – એ પ્રીતિમાં જ મ્હારી આશા છે ને તે તમારી પાસે ઉત્તમ ઉત્તર જ અપાવશે."

સર૦- એ તો જે કરે તે ખરું. ચંદ્રનો ન્યાય કુમુદના હાથમાં નથી પણ એના હૃદયમાં જ છે. તમે મને બે પ્રશ્ન પુછયા – નહીં વારુ ? એક તો એ કે ત્યાગકાળે મ્હેં તમારો શો વિચાર કર્યો અને બીજે એ કે અત્યારે શો વિચાર કરું છું.

કુમુદ૦- એ જ.

સરસ્વતીચંદ્રે નિ:શ્વાસ મુકી વાર્તા ચલાવી.

“મુંબાઈમાં તો એટલો જ વિચાર કર્યો હતો કે રત્નનગરી જવું અને અજ્ઞાતરૂપે તમારા મનની ઇચ્છા જાણી લેવી.”

કુમુદ૦- જાણીને શું કરવું હતું ?


  1. ૧.આ પદાર્થ મેલા પાણીમાં નાંખ્યાથી મેલ નીચે બેસે છે ને નિર્મળ પીવા જેવું પાણી ઉપર તરે છે.