પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩૪


સર૦– તમારી પ્રીતિ પ્રજ્વલિત હોય તો તમારી પાસે છતાં થઈ તમાંરા પિતાને મળવું ધાર્યું હતું. એ તમારા વિવાહને અનુકૂળ થાત તો સીતાને લઈ રામ ગયા ને દમયન્તીને લેઈ નળ ગયો હતો તેમ હું તમને સાથે લઈ જાત. તમારા પિતા તમને અનુકૂળ ન થયા હત તો તમારું પ્રારબ્ધ નક્કી કરવા તમે સમર્થ થાત ત્યાં સુધી હું મ્હારી ઇષ્ટ યાત્રામાં મગ્ન ર્‌હેત અને સમયપરિપાક થતાં તમને મ્હારી સાથે લેવા આવત. તેમ ન થયું. સમુદ્રમાર્ગે રત્નગરી આવતાં પ્રતિકૂળ પવનને લીધે દિવસ વીતી ગયા. ત્યાં આવ્યો ત્યારે તે તમે સુવર્ણપુર ગયાં હતાં તે પછીનો ઈતિહાસ તમે જાણો છો.

કુમુદ૦- હા...શ ! આજ મ્હારા હૃદયનું મહાશલ્ય દૂર થયું. મને હાનિ કરનાર તમે ન નીવડ્યા – વિધાતા નીવડ્યો. મ્હેં બે કટાક્ષનાં વચન કહ્યાં તે હવે ઉતાવળ કરી લાગે છે. આજ મને સિદ્ધ થયું જણાયું કે તમારી પ્રીતિમાં ધર્મ રહેલો છે ને તમારા ધર્મમાં આ રંક જાત ઉપર પ્રીતિ રહેલી છે. મ્હેં તમને વગર તપાસે મ્હેણું દીધું. મને પ્રથમથી આ કેમ કહ્યું નહી કે તમને એ વચન કહી દુ:ખી કરવાના પાપમાંથી હું ઉગરત? વારુ, ત્યારે મને લખેલા પત્ર કે શ્લોકમાં તો તે કંઈ ન હતું.

સર૦- ના, ન હતું. એ પત્ર તો તમને મ્હારા ભણીના ઋણમાંથી મુકત કરવા લખ્યો હતો; પણ રજનિ વાટ જુવે તો ફરતો ફરતો બીજે દિવસે ચન્દ્ર પણ આવી પ્હોચે એટલી બારી તમારી આશાને માટે મ્હારા શ્લોકની અન્યોક્તિમાં ધ્વનિત હતી.

કુમુદ૦- હા ! મ્હારામાં જ એટલી જડતા કે તે ધ્વનિ મ્હારીપાસે બ્હેરા આગળના ગાયન જેવો રહ્યો ! મ્હારું ભાગ્ય જ ટુકું.

કુમુદે કપાળે આંગળી અરકાડી.

સર૦- હવે આ સ્થાનમાં આ સમાગમ થવાનો પ્રસંગ આવતાં તમારે માટે બે ત્રણ વિચાર મ્હેં કર્યા છે ને બાકીના તમારે કરવાના રાખ્યા છે.

કુમુદ૦– કે -

સર૦– બ્રહ્મચર્ય અને ચતુર્થાશ્રમ તો એકલી સ્થિતિને માટે છે. ગૃહસ્થાશ્રમમાં દમ્પતી ગૃહમાં રહે છે તો વાનપ્રસ્થમાં વનમાં રહે છે. ગૃહસ્થાશ્રમમાં તે સુખને માટે પ્રયત્ન કરે છે તો વાનપ્રસ્થમાં કલ્યાણને માટે પ્રયત્ન કરે છે. ગૃહસ્થાશ્રમના વ્યાપારો અપ્રયત્ને જેટલું કલ્યાણ થાય તેટલું થવા દેછે ને તેને માટે પ્રયત્નનો અવકાશ મળતો નથી. વાનપ્રસ્થમાં સુખાર્થને માટે તિરસ્કાર નથી તો પ્રયત્ન પણ કરવામાં આવતો