પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૩
“રસસુંદરીની સુંદરતા જગ જોતું ઉઘાડી આંખે !
“રસસુંદરીના રસ ભોગવતું – જગત મીંચેલી આંખે.”

ગુણ૦ – “આ કવિતા કોની ? કુસુમ !”

કુસુમ શરમાઈ ગઈ. નીચું જોઈ બોલી. “બ્હેનના ઉપર સરસ્વતીચંદ્રે કાગળ લખ્યો હશે તેના એક ફાટેલા કડકા ઉપર હતી.”

સુન્દર૦ - “તે વારું, તે તું બ્હેનના કાગળો એમ ચોરતી ફરે છે કે શું ? લાજ નથી આવતી ?”

કુસુમ૦ – “લ્યો. ભુલ તો ખરી, પણ એમાં ચોરી શાની ? એણે કાગળનો કડકો રઝળતો નાંખ્યો ત્યારે મ્હેં વાંચ્યો. કાંઈ આંખો આઘી મુકીને ફરીયે ? બાકી, પ્હેલા ચાર અક્ષર વાંચતાં કાગળ આઘે મુકવો જોઈએ તે કરવું ન સુઝ્યું એટલી ભુલ.”

સુંદર૦ – “બધું તો ઝીણવટથી સુઝે અને આટલી મ્હોટી વાત ન સુઝી.”

કુસુમ૦ – “લ્યો. હવે ક્ષમા કરો. થયું તે થયું. પણ ચંદ્રકાંતભાઈ હવે આ કડીમાંની બે જાતની આંખો જેવી આંખો આ સ્ત્રીપુરુષની ક્‌હાડી તમને દેખાડીશ, કાકી તો ક્‌હેશે. પણ વારુ બાળક છીયે તે આવું વાંચવા સમજવાનું મન તો થાય.”

એક ચાકર એટલામાં આવ્યો. વિદ્યાચતુરે ચંદ્રકાંતને જરાશંકરને ઘેર જમવ્યા બોલાવ્યો હતો. વળી માંદા સામંતને જોવાને રાણો ખાચર આવ્યો હતો તેને મળવાનો તથા રાજ્યનીતિના વિષય તેની જોડે ચર્ચવાને મણિરાજે પોતાના રાજપુરુષોનો ન્હાનો મેળાવડો યોજ્યો હતો. તેમાં ભાગ લેવાને પણ ચંદ્રકાંતને આમંત્રણ હતું. આ સઉ સંદેશો ચાકરે પ્હોંચાડ્યો. ચંદ્રકાંત વસ્ત્ર પ્હેરવા ઉઠયો. પ્હેરતાં પ્હેરતાં સરસ્વતીચંદ્ર અને કુસુમના યોગ-અયોગના વિચાર કરી ઉંડા નિઃશ્વાસ મુકવા લાગ્યો, અને દુઃખી હૃદયથી પ્રધાન પાસે જવા નીકળ્યો.

સ્ત્રીવર્ગ પોતાના ખંડમાં ગયો. જતાં જતાં સુંદર, કુસુમનો અંબોડો ઝાલી નીચો ખેંચી, તેનું મ્હોં ઉંચું કરી, ચુમ્બન દેઈ પુછવા લાગી: “મધુકરીનું મધુકર પાછળ ભમવાનું તું ગાતી ગાતી બંધ પડી. તે તું હવે નક્કી સરસ્વતીચંદ્રને પરણવાની!” અત્યંત ક્રોધથી રાતીચોળ થઈ કૌમારક વ્રતની ઉત્સાહિની બાળા, કાકીને ધક્કો મારી, સૌંદર્ય-ઉદ્યાનમાં પોતાના અભ્યાસના માંડવામાં ન્હાસી ગઈ. માતા ગુણસુંદરી કુસુમના વિકાસ વિશેષ જોઈ વધારે ખિન્ન થઈ, વધારે ચિંતામાં પડી, અને જેઠાણીનાથી પણ એકલી પડી સૈાંદર્યઉદ્યાનમાં મનની અમુઝણ ક્‌હાડવા જેવું નિર્મક્ષિક સ્થાને અધીરે ધીમે પગલે શોધતી વેલાઓમાં અદૃશ્ય થઈ.