પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૫


પોતાના હૃદય પર હાથ મુકી લવી.

“ક્ષુદ્ર હૃદય ! આવા મહાશય હૃદયને ત્હારી પ્રીતિના પાંજરામાં પૂરવાની ત્હારી યોગ્યતા તે ત્હેં શાથી જાણી ! એ હૃદયના તો કોઇ ન્હાના સરખા ખુણામાં પણ પડી ર્‌હેવાને તને સ્થાન મળે તો પણ ત્હારું મહાભાગ્ય અને એમની પરમકૃપા ! મ્હેં એમના પર રોષ ધર્યો, એમને દોષ દીધો, એમના ભણીની અનેક આશાઓ રાખી, એ સર્વ મ્હારી જડતા અને દુષ્ટતાનું જ પરિણામ ! યોગિરાજ ! મને ક્ષમા કરો ! તમારો ચરણસ્પર્શ કરવાનો માત્ર અધિકાર માગું છું અને તે પણ તમારી ક્ષમા માગવાને માટે ! તમે તે ક્ષમાથી પણ વિશેષ આપ્યું છે, આટલાથી પણ અનેકધા વિશેષ અધિકાર વગરમાગ્યે આપી દીધો છે! તમે તમારે કરવાનું મ્હારું આતિથેય કરી ચુકયા, પણ તેનો સર્વ રીતે લાભ લેવાની મ્હારી યોગ્યતાનો વિચાર કરવાનો ધર્મ મ્હારે શિર બાકી છે. મ્હારે આવી સુન્દર યોગમૂર્ત્તિને ખંડિત નથી કરવી ! માત્ર ચરણસ્પર્શ જ કરીશ.”

કુમુદ ધ્રુજતી ધ્રુજતી આ ચરણ ભણી ગઈ અને ચરણ આગળ કંઈક જગા હતી ત્યાં, ચરણ ભણી દષ્ટી કરી રહી, બેસી ગઈ બેસી રહી, પણ ચરણને સ્પર્શ કરવા છાતી ચાલી નહીં.

“મહાત્માના ચરણસ્પર્શમાં તો સંસાર પણ દોષ ગણતા નથી ને એ તો પાવન થવાનો જ માર્ગ છે.”

સરસ્વતીચંદ્રના ચરણનાં ચાંપવાં એણે ધીરે રહી, ધીમેથી, ઝાલ્યાં, ત્યાં પોતાનું મસ્તક અરકાડ્યું, ચરણનાં તળીયાંને મધ્યભાગે ચુમ્બન કર્યું, અને અંતે એ તળીયાં પોતાના ખોળામાં મુકી, હાથવડે ઝાલી રાખી, ભીંતને ટેકે, કન્થાને ઉશીકે રાખી, બેઠી બેઠી ગાઢ નિદ્રાને વશ થઈ ગઈ. સરસ્વતીચંદ્ર પણ લવતો બંધ થઈ ગયો ને નિદ્રાદેવી એકલી જાગતી રહી.

નિદ્રા જાગતી હતી અને પોતાને વશ થયલાં હૃદયમાં સ્વપ્નની સામગ્રી ભરતી હતી.

આપણા તેમ પાશ્ચાત્ય વિદ્વાનોનો એક અભિપ્રાય છે કે જાગૃત દશાના સંસ્કારોથી [૧] થતા પ્રત્યય [૨] સ્વપ્નરૂપે સ્ફુરે છે. [૩] પણ આ વિષયનું શાસ્ત્ર આથી વધારે ઝાઝું ધપ્યું નથી. સ્વપ્નમાં કોઈ કવિતા રચે છે તો કોઈ શાસ્ત્રવિચાર પણ સાધે છે.[૪] આ સર્વે વાતો તો સાંભળી છે પણ બે


  1. ૧. સંસ્કાર : Association
  2. ૨. પ્રત્યય : Impression
  3. जागरितसंस्कारजः प्रत्ययः स्वप्नः (પઞ્ચદશીને ટીકા)
  4. ૪. Carpenter's Mental Physiology