પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૬


જણને એક જ સ્વપ્ન એકજ કાળે થતું સાંભળ્યું નથી પણ તેનો અનુભવ સૌમનસ્યગુફામાં આજ થવા લાગ્યો.

સરસ્વતીચંદ્ર ચતો સુતો હતો અને એના મુખ ઉપર ચંદ્રનો કોમળ પ્રકાશ પથરાયો હતો. એના ચરણ આગળ બેઠેલી નિદ્રાવશ કુમુદની આંખો નિદ્રામાં પણ અર્ધ-ઉઘાડી રહી ગઈ હતી અને પ્રથમ જોનારને તે જાગતી જાગતી સરસ્વતીચંદ્રને એક ટશે જોઈ ર્‌હેલી લાગે એવી એની સ્થિતિ હતી. આવી સ્થિતિમાં તેમને સાથેલાગો સ્વપ્નોદય થવા લાગ્યો અને સ્વપ્નમાં પણ એક જ દર્શન થવા લાગ્યું. તેનું કારણ અનેક રીતે કલ્પાઈ શકે તેમ છે. લલાટ પાછળના અન્તર્ભાગમાં મનુષ્યનું મસ્તિક છે ને સ્વપ્નસૃષ્ટિ તેમાં ઉદય પામે છે. સરસ્વતીચંદ્રના મસ્તિકમાંની સ્વપ્નસૃષ્ટિનું કારણભૂત તેજ, એના લલાટબ્હાર લલાટ ઉપર રમતા ચંદ્રપ્રકાશમાં ચંદ્રકિરણની નાડીયોમાં, વાદળીમાં પાણી ચ્હડે તેમ, નાડી-આકર્ષણથી[૧] આકર્ષાઈ ચ્હડયું હોય અને તેમાંથી કુમુદની આંખના ઉઘાડા ભાગમાં થઈને એના મસ્તિકમાં ગયું હોય; અથવા ચંદ્રપ્રકાશમાં જ ઉત્પન્ન થયેલું સ્વપ્ન બે જણનાં સામસામાં મસ્તિકોમાં સાથેલાગું સર્યું હોય; અથવા નવા શોધાયલા “રોજજન” કિરણના[૨] યંત્ર જેવી શક્તિ કોઈ સંયોગથી કુમુદના મસ્તિકમાં આવી હોય ને તેના પ્રભાવથી તે પ્રિયજનના મસ્તિકને કે હૃદયને પારદર્શક કરી જોઈ શકી હોય, અથવા બેના ગ્રહસંયોગે આ દશા આણી હોય; અથવા પ્રાણવિનિમયના કોઈ નિયમથી આ ચમત્કાર બન્યો હોય; અથવા કુમુદે કરેલા ચરણસ્પર્શથી જ એને આ સંગત - સ્વપ્નનો લાભ પ્રાપ્ત થયો હોય; અથવા વિષ્ણુદાસ બાવાએ આજથી સાધવા માંડેલી યોગસિદ્ધિનું જ આ ફળ - એમના પરાક્રમરૂપ - હોય, આમાંથી ગમે તે એક અથવા અનેક કારણને બળે અથવા અઘટિતઘટના રચવામાં પ્રવીણ ક્‌હેવાતી માયાના ગમે તે બીજા કાર્યને બળે આજ આ બે મસ્તિકમાં બળવાન સંગત સ્વપ્નોદય થવા લાગ્યો. આ જાગતી સૃષ્ટિની કથા મુકી, પ્રિય વાંચનાર, આપણે પણ ગુપ્ત શાંત રહી , આ સ્વપ્નસૃષ્ટિમાં પ્રવેશ કરીશું, સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરીની પાછળ પાછળ ચાલ્યા જઈશું, અને આપણા ચર્મચક્ષુથી જે જોવાય તે જોઈશું.


  1. ૧. Capillary attraction.
  2. ૨. આ Róntgen Rays, અથવા X Rays નામના કિરણયંત્રમાં એવી શકિત છે કે શરીરના અપારદર્શક ભાગની અંદરના પદાર્થ પણ આ યંત્રથી જોવાય છે.