પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪
પ્રકરણ ૪.
દેશી રાજ્યોનો શો ખપ છે? અને તેમનું શું થવા બેઠું છે?

તેમનો કાંઈ ઉદ્ધાર છે? રાજસેવકો ને મુંબાઈ-

ગરાઓ વચ્ચે ઝપા ઝપી.

अणुभ्यश्च महदभ्यश्च शास्त्रेभ्यः कुशलो नरः ।
सर्वतः सारमादद्यात्पुष्पेभ्य इव षट्पदः ।।

“What nature has disjoined in one way, wisdom may unite in another:” Burke :

પોતે ઇંગ્રેજી રાજ્ય સાથે સંબંધ બાંધ્યો તેનાં ગણાતાં વિષ્ફલનો આરંભ સ્વતંત્ર સત્તાના પરિચિત મલ્લરાજને કડવો લાગ્યો હતો; છતાં તેણે અંતકાળ સુધી એ સંબંધ બાંધવામાં ભુલ થઈ ગણી ન હતી. ઈંગ્રેજી વિદ્યાથી શૂન્ય પણ દૂરદર્શી એ મહારાજ પોતાના મનનાં કારણ જગતને સમજાવી શક્યો નહી, અને સામંત અને મૂળરાજનાં મનનું સમાધાન કરી શક્યા વિના તેણે દેહ છોડ્યો હતો. એ જ મહારાજના શાણપણે મણિરાજને ઈંગ્રેજી વિદ્યાનો અને વિદ્યાચતુરનો યોગ કરી આપ્યો હતો અને વિદ્યાચતુરને પણ પોતાના રાજ્યતંત્રના મંત્રોમાં પ્રવીણ કર્યો હતો. રાજા વારસામાં અનેક રાજભંડાર મુકી જાય તેના કરતાં આવો વારસો સહસ્ત્રગણો ઉત્તમ ગણવો એ પોતાના વિચારને એ મહારાજે આમ આચારમાં આણ્યો હતો, અને એ વિચાર-આચારનું અમૃતફળ રત્નનગરીની ભાગ્યશાલી પ્રજા એના મરણ પછી ભોગવતી હતી. બટમોગરાના ફુલની પાંખડીઓનું એક પડ ખેંચી લઈએ તે તરત અંદરથી એવું ને એવું ફુલનું દળ નીકળી આવે તેમ મલ્લરાજનો દેહ ખરી પડતાં એના જ હાથમાં પરિપકવ થયલે મણિરાજ પ્રજાના હાથમાં આવ્યો, અને જરાશંકર નિવૃત્ત થતાં વિદ્યાચતુર આવ્યો. પ્રવીણ બુદ્ધિમાન મનુષ્યોની પલટણોને અનુભવની કવાયત આપી એક બીજા પાછળ ઉભી રાખી, એવી રીતે તૈયાર રાખવી કે રાજ્યને અને પ્રજાને કદી કોઈ રીતે યોગ્ય પુરૂષોની ખોટ પડે નહીં, એ વ્યવસ્થા, દૂરદર્શી અને ડાહ્યા રાજાઓનો, એક મહાન ધર્મ છે.

મલ્લરાજની રાજ્યનીતિના ન્હાના વૃક્ષોને નવા રાજાએ અને નવા પ્રધાને પાળી પોષી મ્હોટા કર્યા એટલું જ નહી પણ મલ્લરાજના જે યોગ્ય વિચાર બીજરૂપે તેના લેખો અને તેના વાર્તાવિનોદના પ્રસંગોની