પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૬૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪૮

મ્હોટો થતો ગયો, અને મ્હોટો થતો ગયો તેમ તેમ વધારે વધારે સ્પષ્ટ દેખાતો ગયો. થોડીક વારમાં તો કોઈ દેવીના જેવા આકારવાળો લાગ્યો. કુમુદસુંદરી નીચે હાથ જોડી એક પાસ ખશી ગઈ અને સરસ્વતીચંદ્ર બીજી પાસ ખસી ગયો ને એ દેવીને બે જણની વચ્ચે ઉતરવાનો માર્ગ આપ્યો. એ દેવીનું અંગ સ્ફટિકમણિ જેવું હતું અને સ્ફટિકની મૂર્તિપેઠે બે જણની વચ્ચે આવી ઉભી. જુવે તે સૌભાગ્યદેવીની જ આકૃતિ આ સ્ફટિક શરીરધારી ઉભેલી.

સરસ્વતીચંદ્રના સાથમાં આવેલી ઉભેલી કુમુદ સાસુનું શરીર જોઈ લજવાઈ ગઈ અને પોતે ક્ષમાને પણ પાત્ર નથી અને હવે કંઈ બોલવાનો પણ માર્ગ નથી એવું ધારતી હોય એમ મુખ છેક નીચું કરી ઉભી રહી. પણ સરસ્વતીચંદ્ર આગળ આવ્યો ને વિનયથી બોલવા લાગ્યો. “પવિત્ર સૌભાગ્યરૂપ સૌભાગ્યદેવીની મૂર્તિ ચંદ્રલોકમાંથી ઉતરી આ સ્ફટિક શરીરને દેખું છું તે સૈાભાગ્યદેવી ન હોય તો બીજું જે કોઈ પવિત્ર સત્વ તમે હો તેના અભિજ્ઞાનનો હું અધિકારી હઉં તો તે અભિજ્ઞાનની કૃપા માગું છું.”

“સરસ્વતીચંદ્ર ! હું સૌભાગ્યદેવીનું જ સિદ્ધ શરીર છું અને આ પ્રદેશમાં તમારું બેનું આગમન મ્હારા સ્થાનમાંથી જોઈ અંહી આવું છું. કુમુદસુંદરી ! પાસે આવો.” દિવ્ય મૂર્ત્તિના મુખમાંથી સ્વર નીકળ્યા.

કુમુદ બ્હીતી બ્હીતી પાસે આવી, પાસે આવી સાસુને પગે પડી, પણ આંસુ સાથે નીકળતાં ડુસકાં, ઉપરાંત વધારે ઉચ્ચાર કરી શકી નહી.

“કુમુદસુંદરી ! બેટા કુમુદસુંદરી ! તમે હવે પૃથ્વીના છેડા ઉપર છો અને પૃથ્વીના ધર્મ ભુલી સિદ્ધ લોકનાં અને તેમના ધર્મનાં દર્શન કરવાનાં અધિકારી થયાં છો ! ” દિવ્ય મૂર્ત્તિના મુખમાંથી આશ્વાસક શબ્દ નીકળ્યો ને તેના પવિત્ર હાથે કુમુદને ઉભી કરી છાતી સરસી ચાંપી.

કુમુદ તેની છાતીમાં જ માથું ડાબી રાખી બોલવા લાગી.

“દેવી! મનુષ્યરૂપે દેવી હતાં – માતા હતાં – તેને આજ આવે રૂપે જોઉં છું – ને હું તો ભ્રષ્ટ હતી, આપના ગૃહમાં નિવાસને યોગ્ય ન હતી તે હવે વધારે દૂષિત થઈ છું. આપના પવિત્ર શરીરને મ્હારા સ્પર્શથી દૂષિત કરો છો તેને સ્થાને મને કોઈ અતિશુદ્રી પેઠે – ચાણ્ડાલિની પેઠે – દૂર ઉભી ર્‌હેવા દો.”