પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પપ૦

પાસે કરાવ્યો તે અધર્મનું ફળ અત્યારે તેઓ અનેકધા ભોગવે છે. સાધુજનોના પ્રયાસે તું એ અધર્મમાંથી છુટી, અને ત્હેં કરેલા ચરણસ્પર્શથી તું ત્હારા શુદ્ધ પતિની પતિવ્રતા બની તે પુણ્યના ફલોદયથી તું આ પવિત્ર દેશનો અધિકાર પામી છે.

કુમુદસુંદરી આ મૂર્તિની છાતી આગળથી દૂર થઈ સામી ઉભી, બોલવા લાગી.

“હું સ્વપ્ન દેખું છું, અને સ્વપ્નમાં જે દેવીને દેખું છું તે મ્હારાં જીવતાં દેવી જેવું તમે બેલતાં નથી તો આ સ્વપ્નથી કેમ છેતરાઉં ?”

સૌ૦- સંસારનું જાગૃત તે અમારું સ્વપ્ન છે ને સંસારનું સ્વપ્ન તે અમારું જાગૃત છે. જે દેવીના ઉપર ત્હારી આવી પ્રીતિ હતી તેણે તે દેહનો ત્યાગ કર્યો છે ને તું અત્યારે તેનાજ સિદ્ધ સૂક્ષ્મ શરીરને જુવે છે. મ્હારા વિચાર ને ઉદ્ગારમાં તને કંઈ નવીનતા લાગતી હશે; પણ યમરાજ જીવન અને મૃત્યુ વચ્ચેનો પડદો ચીરી નાંખે છે તેની સાથે મૃત્યુનાં અધિકારી શરીર મૃત્યુના અનન્ત અંધકારમાં જાય છે અને જીવનનાં અધિકારી શરીર આ ચિરંજીવ સિદ્ધદશાને પામે છે ને અર્ધ જીવનવાળી પૃથ્વીમાંથી પૂર્ણ જીવનવાળા સિદ્ધ લોકને પામે છે, તે કાળે તેમને સર્વ શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે. તે જ્ઞાન મને પ્રાપ્ત થયું છે ને તેથી હતી એની એ જ ત્હારી દેવી હું જુદું બોલું છું.

કુમુદ વિચારમાં પડી, પછી ઉચું જોઈ સરસ્વતીચંદ્રના સામું જોવા લાગી.

સૌ૦– તું હવે ત્હારા શુદ્ધ પતિ ઉપર દૃષ્ટિ કરે છે. મ્હારો પુત્ર તે ત્હારો પતિ નથી. એક નર સાથે હૃદય જોડીને પછી અન્ય પુરુષ સાથે કોઈ રીતના વિવાહથી કે વિવાહના નામથી ત્હારી પેઠે જોડાયલી સ્ત્રીનું દૃષ્ટાન્ત આર્ય દેશમાં નથી. કારણ વિવાહયોગ્ય હૃદયવાળી કન્યા ત્યાં કન્યાવસ્થા દેખતી નથી. એવા હૃદયવાળી કન્યા ત્હારા પિતાએ તને જ થવા દીધી એ તેમણે પરમ પુણ્ય કર્યું. કુમુદ, મ્હારા પુત્રના વરણકાળે અમે ત્હારાં અને મ્હારા પુત્રના શરીર ઉપર નિસ્તેજ વસ્ત્રના કડકાનાં છેડાછેડ નાંખ્યાં હતાં અને ર્હારું તેનું પાણિગ્રહણ કરાવ્યું હતું તેને સ્થાને અત્યારે આ તમારી બેની પીઠ પાછળ અદ્વૈતરૂપે દેખાતા તેજનાં છેડા હું નાંખું છું તે તમારા સ્કન્ધ ઉપર થઈને તમારાં હૃદય ઉપર આવ્યા છે તે જો! અને સ્થૂલ પાણિગ્રહણને સ્થાને સક્ષમ હૃદયગ્રહણ - હૃદયયોગ - રચાય છે તેના પવિત્ર ચમત્કાર અનુભવો ! એ છેડા અને એ ચમત્કાર જોવાની શક્તિ તમને પ્રાપ્ત થાવ !