પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૧

બે જણે જોવા માંડ્યું તે દિવ્ય પ્રકાશમય વસ્ત્ર પોતાની પાછળથી, વરકન્યાનાં છેડાછેડ પેઠે, સાંધતું દેખાયું ને તેનો એક છેદો ખભે થઈને સરસ્વતીચંદ્રના હૃદયમાં જડાયો હતો, ને બીજે કુમુદના હૃદયમાં જડાયો હતો. આનું દર્શન થતાં બેની આંખોમાં નવું તેજ આવ્યું તે તેજવાળી આંખો ઉપર સૌભાગ્યદેવીની આંખોનું તેજ પ્રસરવા લાગ્યું. તેની સાથે બે જણ વરકન્યા પેઠે એ વસ્ત્રના આકર્ષણથી જ સાથે સાથે જોડાઈને ઉભાં. સૌભાગ્યદેવીની મૂર્તિ પાસે આવી તેમને માથે અકેકો હાથ મુકી ઉભી ને બોલી–

“હું પ્રમાદધનની માતા તે પ્રમાદધનના આતિથેયમાંથી કુમુદસુંદરીને મુક્ત કરી તેમના શુદ્ધ પતિ જોડે તેમનો નિયોગ કરું છું અને સિદ્ધ લોકમાં ચ્હડવાનાં એ દમ્પતીને અધિકારી કરું છું. આ લોકમાં, નથી મનુષ્ય લોકના જેવી ઉદરયાતના, નથી મદનયાતના, નથી લોકવાસના, નથી રાગ, નથી દ્વેષ, નથી પુરુષાર્થ, નથી સુખ, નથી દુઃખ, નથી અહંતા, નથી મમતા, પણ માત્ર શુદ્ધ સાત્તિવક પ્રજ્ઞાચક્ષુ છે, કલ્યાણકર દૃષ્ટિ છે, સર્વભૂતાત્મક વૃત્તિ છે, પૃથ્વી ઉપરના નિવાસકાળે આરંભેલા યજ્ઞના સમાવર્ત્તની નિષ્કામ વાસના છે, એ વાસનાની તૃપ્તિને માટે તમારા જેવાં સિદ્ધિમાર્ગની કામનાવાળાં હૃદયમાં સિદ્ધ જનોના સૂક્ષ્મ સંચાર છે, એ હૃદયોનાં \ યજ્ઞોમાં સિદ્ધ જનોના સૂક્ષ્મતમ યજ્ઞોની જ્વાલાએાના સ્પર્શ છે અને આહુતિદાન છે, અને એમ સિદ્ધોના યજ્ઞો તે મોક્ષ છે. આ વિના બીજું સ્વર્ગ નથી, આ વિના બીજો કલ્પવૃક્ષ નથી, અને આ લોક વિના બીજા દેવ નથી. સિદ્ધ શક્તિના પ્રભાવથી હું તમને બેને નવી લોકયાત્રામાં પ્રેરું છું, અને સિદ્ધ લોકના અવ્યય [૧]દેશમાં યાત્રા કરવાની શક્તિ આપું છું. કુમુદસુંદરી, તમારી તૃપ્તિને માટે મ્હારા હૃદયે મૃત્યુલોકમાં આરંભેલા પુત્રયજ્ઞની આ પૂર્ણાહુતિ છે તે તમારા હૃદયમાં ફલેગ્રાહિણી [૨] થાવ ! કુમુદસુંદરી, તમારે, અને તમારે લીધે તમારા શુદ્ધ સ્વામીને, માથે આ તેજોમય સિદ્ધલેપ હું રેડું છું તે તમારે શરીરે લગ્નના પાનેતરના સૂક્ષ્મ વસ્ત્ર પેઠે વળગી જશે ને તેના બળથી સિદ્ધ લોકના ભયંકર વિષધરોની વિષજ્વાલાઓ તમને સ્પર્શ નહી કરે, અને તમે તેમાં નિઃશંક નિર્ભય સંચાર કરી શકશો!”

આની સાથે એ સ્ફાટિક મૂર્ત્તિના હાથમાંથી તેમનાં શરીર ઉપર પુષ્પવૃષ્ટિ થઈ અને તે સુન્દર પુષ્પ રસમય વૃષ્ટિના છાંટા થઈ બેને શરીરે વળગ્યાં, અને એ છાંટાના રેલા, લેપ પેઠે, વસ્ત્ર પેઠે, ચળકવા લાગ્યા.


  1. ૧. સ્વર્ગ
  2. યોગ્ય ઋતુમાં ફલસમૃદ્ધિનું ગ્રહણ કરનારી

'