પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૫૪

હું ત્હારા હૃદયમાં જોઉં છું. એમાંના યજ્ઞના વિધિના શોધનને માટે આજ તું પિતામહ પુરમાં જઈશ, અને ત્યાં ત્હારા કાર્યમાં તને સાધન હું આપું છું તે લેતો જા.”

“એ નગર આ મેઘ-સ્થાનથી પણ ઉંચું છે. નીચે પૃથ્વી પર મનુષ્યસૃષ્ટિમાં બનેલાને બનતા બનાવોનાં પ્રતિબિમ્બ, ઉંચાં ચ્હડી, ગન્ધર્વનગરીની [૧] સૃષ્ટિ પેઠે, પિતામહપુરના કેટલાક ભાગમાં, તેજનાં જાળાં પેઠે બાઝેલાં છે; એ જાળાંમાં વચ્ચે વચ્ચે કેટલાંક સ્થાને મ્હોટા મ્હોટા માટીના રાફડા બાઝેલા છે ને રાફડાના અંદરના ભાગમાં પણ અનેક સૃષ્ટિયો છે. કેટલાક બનાવોનાં પ્રતિબિમ્બ તેજોમય થાય છે ત્યારે કેટલાકનાં પ્રતિબિમ્બને સ્થાને આવા રાફડા બાઝે છે. એ રાફડા ખોદવાને આ દિવ્ય પાવડો તને આપું છું, તેમાંનાં ભોંયરાંમાં ઉતરવાને અા નિસરણિ આપું છું, અને તેજનાં જાળામાં તેમ અન્યત્ર તરવાને માટે આ બે પાંખો તમને આપું છું. એક પાંખ કુમુદને બાંધું છું, એક તને બાંધું છું, ને પાવડો ને નિસરણી પોતાની ગતિથી તમારી જોડે જોડે ઉડીને ચાલ્યાં આવશે ને ઇચ્છશો ત્યાં તમને કામ લાગશે.”

“મ્હારા સ્વભાવને લીધે આ પદાર્થોની મને સિદ્ધિ થઈ છે તે તમને આપું છું. કુમુદસુંદરી ! મ્હારી પાછળ ઉપર તમારાં પિતામહી ધર્મલક્ષ્મી તમારી બેની વાટ જુએ છે, તેમનું તપ મ્હારા કરતાં વધારે છે. તેમણે પ્રીતિયજ્ઞનો સ્વાદ ચાખ્યો નથી, પણ માત્ર પિતૃયજ્ઞમાંથી પ્રાપ્ત થયેલા અતિથિ - પતિની સેવા કરતાં અનન્ત દુઃખ વેઠેલું છે. એ દુઃખથી, એ દુઃખના શાન્ત દીર્ધ સહનથી, એ સહનકાળે સર્વદા સ્ફુરેલી ધર્મબુદ્ધિથી, ધર્મલક્ષ્મીનું સૂક્ષ્મ શરીર સિદ્ધ થઈ આ દેશમાં વસે છે. તે તમને થોડા કાળમાં મળશે અને તેમના તપ:પ્રભાવના પ્રમાણમાં તમને ગુરુતર સાધન આપશે.”

ચંદ્રલક્ષ્મી અદૃશ્ય થઈ ગઈ, વાદળાંમાં ભળી ગઈ ને નિસરણિ પાવડો સાથે પોતાની પાંખેાને બળે આ બે જણ ઉંચે ઉંચે ઉડવા લાગ્યાં. થોડી વારમાં મેઘમાળાના ઉપરનો અને સ્વચ્છ પ્રદેશ આવ્યો ત્યાં ધર્મલક્ષ્મીનું વૃદ્ધ શરીર એક પાસથી આવ્યું. ધર્મલક્ષ્મી નિરાધાર ઉભી રહી અને બોલવા લાગી.

“જામાતા અને પુત્રી ! દુઃખસહન એ એક મહાતપ છે. જે દુ:ખથી મનુષ્યલોક થાકે છે તે દુઃખનું મ્હેં સહન કર્યું તે તેનું ફળ


  1. ૧. નવલ ગ્રંથાવલિ. ભાગ ૪ પૃષ્ટ ૭૮.