પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૦

ને સ્પર્શમણિ : તમે મુદ્રામાં ને મંગળસૂત્રમાં ધારો છે તે તમને આ ધામમાં સાત્ત્વિક દૃષ્ટિ જ આપશે એવું તમારું ભવિષ્ય મ્હેં સુંઘી ક્‌હાડ્યું હતું, અને તે ભવિષ્ય કાળનો તમારા પ્રશ્ને વર્તમાન આરમ્ભ કર્યો. હવે તમારી યાત્રામાં તમે શીઘ્ર પ્રવૃત્ત થાવ અને આ ગોપુરમાં થઈ ચા૯યાં જાવ.

સર૦– શ્વરાજ ! આ ધામમાં છેલ્લામાં છેલું મનુષ્ય ક્યારે કોણ ગતિ પામી શકયું હતું ?

શ્વાન.– રત્નનગરીના મહારાજ મલ્લરાજ હાલ સિદ્ધ છે તે એકકાળે તમારીપેઠે આવ્યા હતા. તેમણે પૃથ્વીમાં ભીષ્મભવન[૧] આ ધામ જોઈને જ કરેલું છે.

સર૦– શ્વરાજ ! મ્હેં તે જોયું છે. અમને કંઈ સૂચના કે ઉપદેશ આપના ભણીથી દેશો ?

શ્વાન.– અમે શ્વલોક વસ્ત્રાદિ દમ્ભને ધારતા નથી પણ મનુષ્યો તો વાણીમાં, વિચારમાં, વૃત્તિયોમાં ને આચારમાં અનેક રીતે ઓપ્યાગોપ્યભેદ રાખી અસત્ય-પ્રપઞ્ચના ખેલની સૃષ્ટિ ઉભી કરે છે. એવા ભેદને માટેના સર્વ દમ્ભનો ત્યાગ તમને પ્રાપ્ત થાવ એટલો હું તમને ઉપદેશ અને આશીર્વાદ આપું છું. એટલી સિદ્ધિ પ્રાપ્ત થયેથી તમારા સંસારીયોનાં સુખદુ:ખનું શુદ્ધ દર્શન કરી શકશો ને તેમ થશે ત્યારે તમે તેમનું કલ્યાણ કરવાની તમારી સૂક્ષ્મ વાસનાને તૃપ્ત કરી શકશો. આ સિદ્ધલોકના દ્વીપ સમસ્ત પૃથ્વી ઉપર તરે છે, ને તમે હાલ આર્યદેશ ઉપર છો તેનાં પ્રતિબિમ્બ પિતામહના કુણ્ડમાં આ દ્વીપો ઉપરથી જોજો, પિતામહના ઉપર બંધાયલા રાફડાઓને સાત્ત્વિક દૃષ્ટિથી જોજો, ને પછી ગંગામૈયાના ખેાળામાં સુતેલા પિતામહનાં દર્શન કરી એ માતા પાસેથી ને પુત્ર પાસેથી તમારા દેશના કલ્યાણ માર્ગનો ઉપદેશ લેજો. મલ્લરાજની યોજનાનાં પાંડુકુરુભવનો જોનારને આ ઉપદેશ સુગમ પડશે.

આટલું બોલી કુતરાઓ વેરાઈ ગયા ને સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી, હિમ ઉપર સરવાની ચક્રવાળી પાદુકાઓ[૨] પ્હેરી સરતાં હોય તેમ, ગોપુરની તળે સરી ગયાં ને ત્યાંથી વેગભર્યાં સર્યાં તે અંદર પિતામહકુંડના આરા ઉપરના સોનારુપાના સળીયાના કઠેરા આગળ અટક્યાં.


  1. ૧. પૃષ્ઠ ર૪૬-ર૪૭.
  2. ૨. ઈંગ્રેજો Skating ની કસરત કરે છે, ત્યારે બરફ ઉપર પઈડાંવાળી પાવડીઓ પ્હેરી ખસે છે, આપણાં બાળકની ભાષામાં બાલીયે તો “ખસુરીયાં ખાય છે.”