પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬૧

આ કુંડ એકાદ ગાઉ લાંબો પ્હોળો હશે અને તેમાં ચારે પાસ પાણીના જેવું તેજ ચળકતું ભરેલું હતું અને એ તેજમાં મ્હોટા મ્હોટા બેટ હતા. પોતાને મળેલી મુદ્રા જોતો જોતો સરરવતીચંદ્ર બોલવા લાગ્યો.

“કુમુદ, આ મહાકુંડમાં આપણા દેશનું પ્રાચીન તેજ ભરેલું છે તે પૃથ્વી ઉપરથી દેખાતું નથી. એની વચ્ચે આ મ્હોટા મ્હોટા બેટ છે તેમાં જવાને આ તેજમાં તરવું પડે છે. જે લોકને આ કુતરાઓ બચકાં ભરે છે તે આ તેજ ઉપર પડતું મુકે છે, ને પારદર્શક પવન જેવા તેજમાં થઈ એ લોક નીચે પૃથ્વી પર પડે છે. આ તેજનો જરીક ચમકારો તેમને થતાં તેમનું વધારે ભાન બંધ થાય છે ને એ ચમકારાથી લાગેલો હડકવા લેઈને આ લોક આપણા દેશમાં ફરે છે, પણ તેમનો અનુભવ એ ચમકારાથી વધારે વાતનો નથી અને એ દગ્ધજ્ઞાનવાળાં પૃથ્વી પર પડેલાં માણસ ભયંકર થાય છે - તેનું પ્રતિબિમ્બ પણે જો !”

તેજમાં જોતી જોતી કુમુદ બોલી: “આહા ! શાં યુદ્ધ ? એક હાથીને અનેક સ્થાને વળગેલા આંધળાઓ પોતપોતાની વાત પ્રતિપાદન કરવા લ્હડી મરે તે અન્ધહસ્તિન્યાયનું આ પ્રત્યક્ષ દૃષ્ટાંત !-પણ ઉદાત્ત સ્વામી ! આ લોક પણ ઉપકારક છે. જુવો ! આ તેજની નીચે આખા દેશમાં અન્ધકારનો મહાસાગર ભરેલો છે તે પણ દેશની વર્ત્તમાન દશાનું પ્રતિબિમ્બ જ છે ને તેમાં દીવાઓ પેઠે આ શ્વરાજના કરડેલા જીવો તરે છે, દીવાસળી સળગાવી ન હોય પણ જરીક ઘસી હોય તો તેથી પણ પ્રકાશનો તારા જેવો ચમકાર જણાય છે તેવો આ લોકનો પ્રકાશ અંધકારમાં ઉપયોગી થાય છે. પ્રાણનાથ ! તેમનો તિરસ્કાર ન કરશો. તેઓ પણ પ્રીતિપાત્ર છે.”

સરસ્વતીચંદ્ર એના મંગળસૂત્ર આગળ આલિંગન દેઈ બોલ્યો; “સત્ય કહ્યું – સુન્દર કહ્યું ! એ સુન્દરતાના મૂળને જ હું આ આલિંગન દેઉં છું.”

કુમુદ આ ક્રિયાનો સત્કાર કરતી કરતી બોલી; “એ તેજ પેલા રાફડાઓ નીચેથી ફુવારા પેઠે ફુટી નીકળતું દેખાય છે.”

સરસ્વતીચંદ્ર એનો આ સંસર્ગ મુકી એ ફુવારા જોવા લાગ્યો.

“ભારતયુદ્ધ પછી પિતામહ શરશય્યામાં પ્હોડ્યા હતા ને ધર્મરાજ સ્વર્ગમાં ગયા તેવામાં જ આ દેશના એ પિતામહે ચિરંજીવ ગંગામાં પ્રવેશ કર્યો છે. તેમનો દેહ જડ વસ્તુમાં ભળી નષ્ટ થયો નથી. કુમુદ, આ રાફડાએાવાળા બેટમાં રાફડાઓ બાઝ્યા છે તે પિતામહના ગંગાને ખોળે સમાધિસ્થ થયલા શરીર ઉપર બાઝ્યા છે ને આ તેજના ફુવારા એમના એ શરીરમાંથી છુટે છે”.