પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૮૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૭૨

અને આ શું થઈ ગયું ? પ્રદેશ એ ને એ છે ને તેમાંની સામગ્રી આટલી પલટાઈ ગઈ એ તે શો ચમત્કાર ?

સર૦- જે નાગલોક વિષજ્વાલાઓને ઉરાડે છે તે જ નાગલોક આ મણિસંગ્રહને ધરે છે, જેની દૃષ્ટિમાં વિષ છે તેના દૃષ્ટિવિષની સામે નાગલોક વધારે બલવાન વિષ ઉરાડે છે ને વિષથી વિષનો નાશ કરે છે. જેની દ્રષ્ટિમાં રત્નમય પ્રકાશ દીપે છે તેને નાગલોક આવાં મણિદર્શન આપે છે. સાત્વિક દ્રષ્ટિને વિષ અને રત્ન ઉભયનાં દર્શન સાથે લાગાં થાય છે. આપણી માનુષ દૃષ્ટિએ પ્રથમ આ વિષનું દર્શન કરાવ્યું ને વિષાધરના અસહ્ય બળનું સહન કરવામાં આપણાં હૃદય અદ્વૈત પામ્યાં. એ અદ્વૈતને બળે ત્હારાં પવિત્ર મંગળસૂત્રમાંના સ્પર્શમણિનો આપણે ગાઢ સ્પર્શ કર્યો, એ સ્પર્શમાં આપણું અદ્વૈત થયું, અને એ મણિને અને અદ્વૈતને પ્રતાપે અત્યારે આ પૂજનીય રત્નરાશિનાં દર્શન કરીયે છીયે.

કુમુદ૦– આ ઉપરના બીલોરમાંથી નીચેનાં રત્નો ઉપર ને વનસ્પતિઓ ઉપર સુંદર રંગનાં ચિત્ર પડે છે ને તેમની વચ્ચે સપ્તરંગી કિરણનાં જાળ ગુંથાય છે.

સર૦– મ્હારો ચિન્તામણિ તને આ દર્શન આપે છે.

કુમુદ૦– ચારે પાસના પ્રકાશ વધારે વધારે સુન્દર થાય છે.

સર૦– પ્રિયદર્શી મહારાજની તેજસ્વિની છાયા સહસ્ત્ર વર્ષ સુધી પ્હોચી છે. આપણે દીઠા તે સર્વે નાગલોક આ છાયામાં જ પરિપાક પામેલા છે. ઉપર જો. આ સુન્દર છતની ઉપર આ તેજની છાયા જતી નથી ત્યાં નાગલોકના પ્રકાશનાં કિરણ, વૃક્ષની શાખાઓ પેઠે, ઉંચાં ફુટે છે, અને ઉપરથી જે જે રાફડાઓ ઉપર આપણે દ્રષ્ટિ નાંખતાં આવ્યાં છીયે તે રાફડાએના મૂળમાં આ કિરણ સ્ફુરે છે.

કુમુદ૦– એ મૂળ અસંખ્ય છે, મૂળે મૂળે મહાયજ્ઞોની વેદીયો દેખું છું, વેદીયે વેદીયે પવિત્ર અગ્નિજવાળાઓ છે ને અગ્નિમાં – આ- શું હોમાય છે ?

સર૦- યાજકનાં જ સૂક્ષ્મ શરીરો હોમાયાં છે ને અનેક પુસ્તકોને અને અનેક વ્યવસ્થાઓને રૂપે તેમ એ યજ્ઞદેવની પ્રસાદી રૂપે ઉપર ભસ્મ ઉડે છે ને ચારે પાસની પ્રજા તેમાં ન્હાય છે. અનેક ઋષિજીવનના સુક્ષ્મ હોમ આ સંત્રાયણમાં થયા છે.

કુમુદ૦- આ નીચે જે ઉત્તમ શ્વેત પ્રકાશ છે તે ઉપર કેમ નથી જતો?