પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૭૫

ભણી જ થાય છે. બાળક, તરુણ, ને વૃદ્ધ સર્વે અંહી પ્રફુલ્લ થાય છે. સ્ત્રી, પુરુષ, કુટુમ્બ, જનપદ, રાજા, અને રાજ્ય : સર્વેમાં રસના, જ્ઞાનના, દ્રવ્યના, સાત્ત્વિક દૃષ્ટિના, અને સનાતન તેમ આર્ય ઉભય ધર્મોના, ઉત્કર્ષની જ્વાળાઓના કુણ્ડ સ્થાને સ્થાને દેખું છું સર્વ સ્થૂલ સૂક્ષ્મ સૃષ્ટિ વીર્યવતી, સુન્દર, અને વર્ધમાન છે, કાલિદાસ અને ભવભૂતિ, વિશ્રામ અને શાલિવાહન – અને એવી અનેક તેજસ્વિની છાયાઓ,ને હું અંહી સ્વતંત્ર ચાલતી દેખું છું. ઓ મ્હારા વ્હાલા ! આ પ્રિય–દર્શનથી જે તૃપ્તિ થાય છે તેથી જ અાજની યાત્રા સફળ થાય છે.

સર૦– તું જુવે છે તે સર્વ હું પણ જોઉં છું ને ત્હારી તૃપ્તિમાં સમભાગી થાઉં છું.

કુમુદ૦– હવે આ મ્હારા હાથમાંનાં રત્નો ઉપર તમે દૃષ્ટિ કરો - મ્હારા સ્પર્શમણિનો સ્પર્શ કરીને જુવો ને તમારા ચિન્તામણિની ચિન્તાનો તેને સમાગમ પમાડો. પૌરુષ અને ત્રણ હૃદયના ગાઢ સર્વાંગી આશ્લેષ વિના એ સમાગમ દુર્લભ છે.

સરસ્વતીચંદ્ર તેમ કરી ઉભો ને કુમુદના કરપલ્લવને પોતાના લોચન સુધી લેઈ તેમાંનાં રત્નોને જોવા લાગ્યો.

સર૦– કુમુદ ! ઉપર પૃથ્વીના જે અનેક સ્તમ્ભ ને અનેક ચીરા છે તેને સ્થાને આપણી નીચે સ્વસ્તિક[૧] ના આકારના ચાર ચીરા છે ને તેમની વચ્ચે પૃથ્વીના ચાર વર્ણ વાળા ચાર ભાગ છે, એક ભાગમાં શ્વેત વર્ણ છે, ' બીજામાં લોહિત વર્ણ છે, ત્રીજામાં સુવર્ણ છે, ને ચેાથામાં શ્યામ વર્ણ છે. એ ચાતુર્વર્ણ્યના ચાર પ્રદેશ વચ્ચે ચીરા પડવા માંડ્યા છે; પણ તે વચ્ચે સ્થળે સ્થળે, ઝુલતા સુવર્ણરંગી પુલ બંધાતા જાય છે ને એ ચીરા પર કુદી જાય તેને તે પણ અનુકૂળ છે. આ પૂર્વ ભણીના પ્રદેશથી બુદ્ધ ભગવાનનો પ્રકાશ આવવા લાગે છે ને ચારે વર્ણની ધાતુઓને હિમની પેઠે ઓગાળવા લાગે છે. આશપાશની ભેખડો ચીરાએામાં ધસી પડતી દેખું છું. અને અંતે આપણી નીચે એ પૃથ્વી એકાકાર થઈ ગઈ દેખાય છે.

કુમુદ૦– તે ઉપર આપણે પાછા ચીરા ને કડડા શાથી દીઠા ?

સર૦– આ છતની ઉપર થોડે સુધી જેવું સુન્દર દર્શન છે તેવું જ


  1. ૧ સાથીયો.