પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭૮

અધિકાર પ્રાપ્ત કરેલો છે તે અમ રત્નલોકની દીન વાણી શુણો ! ઉપરના યજ્ઞોના ભસ્મરાશિ ને ધુમાડાના ગોટા ઉપર નાગલોકના વિષથી સર્વત્ર આરોગ્ય થતું તમે દીઠું – એ આરોગ્ય વિષ અને રત્નના, એક શિરમાં, સમાગમથી થયેલું છે. એ આરોગ્યકાળનો પ્રકાશ પેલા ભસ્મથી અને ધુમાડાથી પણ ઉંચે બંધાયલો છે. અમારા કિરણથી એ પ્રકાશ વીર્યવાન હતો અને મણિધર વિષધરોના વિષની કૃપાથી એ પ્રકાશના શત્રુ ધ્વસ્ત હતા. એ પ્રકાશના કાળ ઉપર તમે બીજાં મલિન મૃત્તિકાનાં પડ જોશો. એ પડ તમોગુણના ઉજ્જૃભણથી બંધાયાં છે ને ભરેલાં છે. આ સ્થાનના વિષધરોનું વિષ એટલે દૂર સંપૂર્ણતાથી પ્હોચી શકતું નથી અને અમારો પ્રકાશ પણ ત્યાં પૂર્ણ શક્તિથી જઈ શકતો નથી. વિષજ્વાળાઓ જે અન્ધકારને અને તમોગુણને ભસ્મસાત કરતી હતી તે અન્ધકાર અને તમોગુણ આ પડમાં નિરંકુશપણે નિષ્કંટક વધ્યાં જાય છે ને તેના રાફડા બંધાયલા તે જ તમે ઉપર પ્રત્યક્ષ કર્યા છે. આ તમોગુણના ઘસારાથી પ્રાચીન ચાર ખડકોની વચ્ચેના ઝુલતા પુલ તુટી જાય છે, ખડકો કમ્પે છે, એક બીજા સાથે અથડાય છે ને પછડાઈ તે સર્વના કડકા પડે છે. જ્ઞાતિઓના કડકા ને તેમની વચ્ચેના ચીરા આમ એ જ તામસી શક્તિથી થયા છે ને વધ્યાં ગયા છે. અમ વિષધર – મણિધર - લોકની દૃષ્ટિ તો છેક ઉપર સુધી આકાશસુધી પ્હોચે છે અને આ યુગના લોક અમારો તિરસ્કાર કરે છે, વિડમ્બના કરે છે, ને અમને ગાળો દે છે તે સર્વે અમે આ સ્થાનથી જોઈ શકીયે છીએ. પણ તેમનો પ્રતીકાર આટલે દૂરથી કરવા અમે સમર્થ નથી. જો તમે તે લોકનાં માનવી હો ને એ લોકમાં પાછાં જાવ તો અમારાં વિષનું અને રત્નનું સમર્થન કરજો. જો કોઈ યુક્તિયોથી અમારી બાંધેલી રંગીન પ્રકાશવાળી પ્રનાલિકાઓના રંગ દેખો તો તેમને અમારા મણિપ્રકાશનો સમાગમ કરાવજો. જે પ્રનાલિકાઓમાં ફરતાં અમારા વંશનાં પણ અધોગતિ પામેલાં અળશીયાં દેખો તો તેમને અમારા મણિનું અને વિષનું પ્રતિભાન આપજો ને અમારી પ્રણાલિકાએનું સત્વ ક્‌હાડતાં શીખવજો. એ તામસી દૃષ્ટિના દેશના અન્ય જીવો એ રાફડાઓની માટીમાં ડબાઈ ચંપાઈને અને એ માટી ખાઈ ને અંતે નષ્ટ થઈ જાતે માટી થાય છે; તે જન્તુઓને અમારી પ્રણાલિકામાંથી અમારા પ્રકાશનું ને અમારા વિષનું સત્ત્વ ધીમે ધીમે થોડું થોડું કે ટીપે ટીપે પાજો. જ્યાં સુધી આ સર્વ સ્થાનમાં અમારી દૃષ્ટિ