પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૮૧


સર૦– જેવી રીતે કપિલોકની પાસેથી પડેલો પરાગ તેમની આંખોમાં પડે છે તેવી જ રીતે અને પરાગની સાથેજ નાગલોકનો મણિપ્રકાશ તેમની આંખોમાં પડશે ત્યારે આમની અકેકી કીકીની દૃષ્ટિ શુદ્ધ થશે, ને એથી વધારે દુર્લભ સાત્ત્વિક પ્રકાશની પ્રાપ્તિ વિના બીજી કીકીયો આવવી તે અશકય છે.

કુમુદ૦– આ કોલાહલ શો છે ?

સર૦- આ જન્તુઓને અકેકી આંખ છે ને બીજાં જન્તુઓ તો કેવળ અન્ધ જ છે ને થોડાંક જન્તુઓની કીકીયો ઉંધી પુતળીની અવળી છે; તે સઉની ભીંડાભીંડમાં એક બીજા સાથે અથડાય છે, લ્હડી મરે છે, ને કોલાહલ કરે છે.

કુમુદ૦– અવળી કીકીયાવાળાં કોણ છે ને અન્ધ કોણ છે ?

સર૦– નાગલોકની રચેલી રંગીન પ્રણાલિકાઓમાં જતાં આવતાં જન્તુઓની કીકીઓ વસ્તુઓની સ્થિતિનો વ્યુત્ક્રમ દેખે છે અને એ સાંકડી પ્રણાલિકાઓનાં પ્રતિબિમ્બ વિનાનાં અન્ય સત્ત્વનું એમની કીકીયોમાં પ્રતિફલન થતું નથી. બાકીના જન્તુઓ તો તામસી વૃત્તિના રચેલા અજ્ઞાનથી જ અંધ છે. તેમની ગતિથી માટીમાં ચીલા જેવી રેખાઓ પડે છે ને તેમાં થઈ અન્ય એવાં જંતુઓ, કીડીયો પાછળ કીડીયો જાય તેમ, ચાલે છે. તેમને તે માટીનું જ ભક્ષણ છે ને માટીમાં જ જીવન છે. તેમાંના કોઈક જીવે આ અવળી કીકીવાળા જીવને સુંધી સુંધી તેમની પાછળ પાછળ જાય છે અને કોઈક જીવો પેલા એક કીકીવાળા જીવોની પાછળ ચાલ્યા જાય છે, ને નાગલોકનું વિષ આમનાથી જીરવાતું નથી ને જીભ ઉપર પણ લેવાતું નથી એટલે એ સર્વે જીવો ગમે તો આયુષ્ય ખુટતા સુધી વિષદંશથી દુ:ખી રોગી થાય છે ને ગમે તો એ વિષની દુ:સહતાથી એમનાં સ્થૂલ સૂક્ષ્મ શરીર આ માટીને પણ ભ્રષ્ટ કરનાર સ્વરૂપમાં પરિણત થાય છે.

કુમુદ૦– આ દેખાવ અતિકરુણ છે.

સર૦– તો પણ તેમાં એ સાત્ત્વિક તેજની પ્રણાલિકાઓ જણાય છે ને ભાગ્યબળે તેમાં આવી જતાં જંતુ એટલી વાર સુખી અને શાંત થાય છે.

કુમુદ૦– પેલી પ્રણાલિકા સામે ચળકે છે તે શ્વેત છે.

સર૦- હા, પણ એની ચારે પાસ પેલી માટીનો ધસારો થાય છે.