પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૮૨


કુમુદ૦– અરે ! એ શ્વેત પ્રકાશ ચંપાઈ જશે, સ્વામિનાથ ! એ ભયમાંથી એને ઉગારો.

સરસ્વતીચંદ્ર સ્મિત કરી બોલ્યો: “શ્વેત પ્રકાશ એમ ચંપાતો નથી- એ પ્રકાશ તો આ માટી નીચેથી ઉપસીને ઉપર આવે છે ને એ પ્રકાશને માર્ગ આપવા તેના ઉપરથી ખસી જઈ માટી આશપાશ વેરાઈ જાયછે. જો, જો, કુમુદ ! બે સ્થાનેથી આ પ્રકાશના અંકુર ફુટે છે – જો- જો !!”

કુમુદ એકદમ ચમકી ઉભી થઈ.

“ઓ મ્હારા વ્હાલા ! એ તો મ્હારી ગુણીયલની અને મ્હારા પિતાની છાયાઓ ! એ અંહી ક્યાંથી ? ”

સર૦– ને તેની પાછળના કોતરમાંથી બુદ્ધિધનભાઈની છાયા ઉંચી આવે છે ! આ સઉ પેલા પાવડાની શક્તિથી પ્રત્યક્ષ થાય છે. આ પવિત્ર પૂજ્ય મૂર્ત્તિઓને પ્રણામ કરી ઉભી ર્‌હે – એ છાયાઓ આપણા ભણી આવે છે.

પ્રથમ છાયા ગુણસુન્દરી અને વિદ્યાચતુરની આવી. વિદ્યાચતુરના હાથમાં એક મ્હોટો ગોળો હતો તેમાં રત્નનગરીનું રાજ્યતંત્ર નકશાના ચિત્ર પેઠે ઉપસેલું હતું અને તેના ભણી અચુક દૃષ્ટિ રાખી એ ચાલતા હતો. ગુણસુન્દરી ઘડીક એની પાછળ ચાલતી હતી, ઘડીક જોડે ચાલતી હતી, ને ઘડીક આગળ ચાલતી હતી. પણ એની દૃષ્ટિ વિદ્યાચતુરના ઉપર જ ર્‌હેતી, એના હાથમાંનો ગોળો પડી જાય નહી અથવા એ પોતે એના ભારથી કે શ્રમથી પડી જાય નહી એટલી એની – એ સ્વામીની – વ્યવસ્થા રાખતી હતી. એ બે જણની આગળ એમની બીજી ન્હાની છાયા, વૃક્ષની છાયા પેઠે, લંબાતી હતી અને તેમાં એક સુન્દર ચિત્ર ચાલતું હતું એ ચિત્રમાં ગુણસુન્દરીનું કુટુમ્બજળ રાફડાના જન્તુઓની પેઠે તરવરતું હતું ને સર્વની વચ્ચે એક વેદી ઉપર ગુણસુન્દરી બેસીને સતીની પેઠે બળતી હતી. એના બળતા શરીરમાંથી ઉકળતી અમૃતધારાઓ ઉડતી હતી ને પેલાં કૃમિગણના મુખમાં તે જાય એવો પ્રયત્ન ગુણસુન્દરી કરતી હતી. તે ધારાના અમૃતધાવણના અતિલોભથી એ ધારાને ન સ્વીકારી ગુણ સુન્દરીના શરીરને જ એ કૃમિગણ વળગી જતા હતા ને અમૃત ચુસવા ચટકા ભરતા હતા. એ સર્વ તપની તપસ્વિની ઉપર અગ્નિની જવાળાઓ ઉંચી અને લાલ થઈ સળગતી હતી ને આકાશ સુધી એ પ્રતિબિમ્બનું પ્રતિબિમ્બ પડતું હતું. આવી છાયાને આગળ ચલવતી વિદ્યાચતુર અને ગુણુસુન્દરીની છાયાઓ કુમુદની પાસે આવી. કુમુદ તેમને હાથ જોડી શિરવડે