પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૮૬


બીજાનો ઈશ છે બ્હાર,
ગુણીયલ ઈશમાં માય.
ખમી દુ:ખ, સુખ દેવાની
સદા જે હોંસ ર્‌હેવાની,
પ્રભુ તુજથી નહી ન્યારો
કદીયે, વ્હાલી, ર્‌હેવાનો.
નથી એથી બીજો ધર્મ.
પ્રભુનો નહી બીજો મર્મ.
બીજો ના મોક્ષ આથી કો,
મને યે તું વ્હાલી આથી હોં !
ભવોભવ આપણે એક;
ગુણીયલ ! જાળવે ટેક !
વસે તુજ કાળજે નાથ !
હું યે ત્યાં ને તું યે ત્યાં જ ! ”

આ ગાન આરંભાયું તે કાળે ગુણસુન્દરી ઘરનાં વાસણ સાજતી ને ઝાડુ ક્‌હાડતી દેખાઈને તેનાં પુસ્તક દૂર પડી ફાટી જતાં જણાયાં, વિદ્યાચતુરની છાયા બેસી પડી ને, એ પુસ્તક એકઠાં કરી હાથમાં લેઈ ગુણસુન્દરીની છાયાની દાસી પેઠે ઉભી ત્યાં ધર્મલક્ષ્મીની સિદ્ધ મૂર્તિ દેખાઈ એના દૃષ્ટિપાતથી ગુણસુન્દરીની પાસેનાં વાસણ સુવર્ણમય થઈ ગયાં, ઝાડુ પુસ્તકમય થઈ ગયું, વાસણને ચોપડેલી રાખ રત્નમય થઈ ગઈ ને ઝાડુતળેનો કચરો અક્ષરમય થઈ ગયો. વિદ્યાચતુરના હાથમાંનાં પુસ્તક ત્યાંથી ઉડી ગુણસુન્દરીનાં હૃદય ઉપર મોતીની માળા થઈ ગયાં. ધર્મલક્ષ્મી અંતે સ્વસ્થ થઈ કુમુદને ક્‌હેવા લાગી.

“બેટા ! મ્હારા કરતાં ત્હારી માતાનું તપ વધારે ઉગ્ર છે ને મ્હેં જે દેવોની પૂજા કરી છે તેના કરતાં ત્હારી માતાએ કરેલી પૂજાનો ઈશ્વરે અનેકધા વધારે સૂક્ષ્મ ને શાશ્વત સત્કાર કરેલો છે તેનો પ્રભાવ તું જુવે છે. એણે માત્ર મ્હારા જેવાનાં આશીર્વાદ-કૃપણ ચિત્તોને તૃપ્ત કરવાના, અને પતિનાં માતાપિતાની મૂર્ખ વાસનાઓને પતિની પેઠે જ તૃપ્ત કરવાના, કર્મમાં ઈશ્વરને પ્રત્યક્ષ કરેલો છે અને ઈશ્વરની પૂજા ગણી છે. તે મહાપૂજાનું કલ્યાણફળ તે આજ ભોગવે છે ને ભોગવશે.