પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૫૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ૮૭

મ્હારા પુત્રે આરંભેલા પિતૃયજ્ઞમાં ત્હારી માતા અતિ રસથી જોડાઈને પતિનો ભાર પોતાને માથે લીધો, પોતાની નિન્દા કરનારના ઉપર ક્રોધે ભરાઈ નથી, સ્તુતિથી પ્રફુલ્લ થઈ નથી, દુ:ખકાળે શોકમાં કળી ગઈ નથી, વિદ્યાથી કે સંપત્તિથી ગર્વિત થઈ નથી, ને જે સાત્વિક પ્રકાશમાં તમે બે જણે સહચાર કર્યો તેવો જ સાત્વિક પ્રકાશ એ મહાપતિવ્રતાનાં નિષ્કામ પ્રીતિયજ્ઞ ઉપર સળગ્યો છે ને સળગે છે. બેટા, આ પવિત્ર દર્શનથી તું બોધ ને શાન્તિ પામજે. હું સિદ્ધ સ્વરૂપે પણ ત્હારી માતાની છાયાની દાસી થવાને જ યોગ્ય છું. ત્હારા દાદા એ વાત પ્રથમથી સમજ્યા હતા. ને એ સમજણથી જ એમણે ત્હારી માતાની ભક્તિ કરેલી છે અને તેના પુણ્યથી એમનાં સર્વ પાપ પૃથ્વી ઉપર જ ધોવાઈ ગયાં છે. એ પુણ્ય થયેલો જીવ આ ભક્તિથી સિદ્ધ થઈ અંહી આવશે. એ પ્રથમથી સમજ્યા તે વાત હું સિદ્ધ થયા પછી સમજી. ત્હારી માતા જેવી મહાતપસ્વિની સાત્વિક મહાપતિવ્રતાની પાસે હું એના ચરણની રજ જેવી છું, અને ત્હારા પિતાને પણ એની સેવા કરવા પામવાના પ્રસંગથી જ પુણ્યશાલી થયો સમજજે. ”

આ સ્વર બંધ થયો ત્યાં એ સ્વર પાસેની છાયાએ કંઈક ઝાંખી થવા લાગી ને સટે બુદ્ધિધનની છાયા વધારે ચળકવા લાગી. થોડી વારમાં એ છાયાને શરીરે સન્યાસીનાં ભગવાં વસ્ત્ર દેખાયાં ને તેની પાસે ઉભી ઉભી અલકકિશોરી, “ભાભી ! આવો ! ભાભી ! આવો ! દેવી ગઈ પણ તમે આવો !” કરી, મ્હોટેથી હૈયાફાટ આક્રન્દ કરતી દેખાઈ.

આની સાથે જ ચન્દ્રલક્ષ્મીના હાથમાંની લક્ષ્મીનંદનની છાયાના આખા મુખ ઉપર આંસુ રેલાતાં દેખાયાં ને પર્વત ઉપર રાત્રે તારા ચળકે તેનાં જેવો પ્રકાશ ધારણ કરીને ચળકવા લાગ્યાં ને ત્યાં આગળથી અનેક ખરતા તારાઓના તેજસ્વી લંબાતા તાર પેઠે એના શરીર પરથી નીચેનાં કુણ્ડમાં ટ૫કવા ને પ્રતિબિમ્બ નાંખવા લાગ્યાં. એટલામાં એના હૃદયમાંથી ઉછળતા હોય એવા સ્વર એના મુખમાંથી આકાશ ભણી જવા લાગ્યાં; “ભાઈ ભાઈ મહીનામાં નહી આવો તો હું જીવવાનો નથી ! હોં !”

થોડી વારમાં સર્વ સ્વર બંધ થઈ ગયા અને મોજાના ખળભળાટ ને પવનના વધતા સુસવાટા વિના બીજું કાંઈ સંભળાવું બંધ થઈ ગયું. આકાશમાં વીજળી ચમકારા કરવા લાગી ને પિતામહકુણ્ડમાં ભયંકર પ્રતિબિમ્બ નાંખવા લાગી. ચંદ્રમા અસ્ત થયો ને એની પાછળના પ્રકાશની પીઠ ઉપર