પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૦


પ્હેલાં એ ચરણ જ્વરવાળા લાગ્યા; તેમાં જ્વર લાગતાં તેને મદનજ્વર કલ્પ્યો; તે કલ્પનાની સાથે દયા ને પ્રીતિની ધારાઓ છુટી; એ ધારાએાએ એને પાછી રસમાં ડુબાડી; રસે એને લલચાવી ને લોભાવી; લાલચે અને લોભે એને ઉઠતી અટકાવી ને આ સર્વ વિડમ્બનાનું કારણ નષ્ટ થતું થતું જીવ્યું. થયેલું સ્વપ્ન સાંભરતાં એ વિડમ્બના વધી. વિડંબના વધતાં સ્વપ્નનું સ્મરણ સવિશેષ થયું. સ્વપ્નના વિશિષ્ટ ભાગનું સ્મરણ થતાં માતા, પિતા, અને શ્વશુરજનની છબીઓ, સ્વપ્નને અંતે દીઠેલી હતી તે પ્રત્યક્ષ થઈ. તેમ થતાં એ ચમકી. ચમકતાં વાર જ સંપૂર્ણ જાગૃત થઈ પ્રિય ચરણને ધીમે રહી ઓટલા ઉપર સુવાડ્યા ને પોતે અંધારામાં દૂર જતી રહી, અને હજી નિદ્રામાં જ હોય તેમ ત્વરાથી એટલાથી બે હાથ છેટે નીચે ભોંય ઉપર અંચળાનું ઉશીકું કરી સુઈ ગઈ ને નિદ્રાવશ પણ થઈ.

મૃદુલ સ્પર્શનો અપરિચિત સરસ્વતીચંદ્ર કુમુદે નિદ્રાકાળે નિદ્રામાં રચેલી સ્પર્શસૃષ્ટિના ચમત્કારથી, સુષુપ્તિના સ્વપ્નને અંતે, જાગૃત સ્વપ્નમાં પડ્યો હતો અને એ સ્વપ્નકાળે અનેક તર્ક અને વિકારોના સુખાભિલાષમાં, જાગરણવાળું મનુષ્ય નિદ્રામાં ઘસડાય તેમ, અવશ અને અજ્ઞાત ઘસડાતો હતા. એ સ્વપ્નનું કારણ દૂર થતાં તે આમ ઘસડાતો મટ્યો ને સાવધાન થઈ બેઠો થયો. બેસીને ચાર પાસ તથા ઉંચે ને નીચે દૃષ્ટિ ફેરવવા લાગ્યો. અંધકારની પરિચિત થયલી આંખ અંધકારમાં પણ જોઈ શકવા લાગી ને થોડે છેટે નીચે સુતેલી કુમુદની શરીરાકૃતિ તેણે જોઈ “કોણ સુતું છે ? કુમુદસુંદરી?” એવું ક્‌હેવા જતો જતો અટક્યો અને એક હાથ હડપચીએ ને બીજો છાતી ઉપર મુકી ઇષ્ટ વિષય જોતો જોતો ઉભો રહ્યો; ન ચાલ્યો, ન બેઠો. બ્હારના આકાશમાં એક પાસથી અંધકાર ને એક પાસથી તારા ચમકતા હતા તેમ આના મસ્તિકમાં એક પાસથી સુખાભિલાષની વાસના સર્વવ્યાપિની થઈ ખડી થઈ ગઈ તો બીજી પાસથી જ્ઞાન-પ્રકાશના વિચાર પણ એ અંધકારને માથે ચમકારા કરવા લાગ્યા. એના પગના ઘસારાથી શ્વાનનિદ્રાને ભોગવતી કુમુદ જાગી, ને ઓટલા પાછળના આકાશના તારાના પ્રકાશની અને પોતાની વચ્ચે કુમુદે સરસ્વતીચંદ્રની છાયા ઉભી દીઠી તો તે જ ક્ષણે વિચારના તારાઓએ એ છાયાના માનસિક અન્ધકારવચ્ચે વિશુદ્ધિની દીવાસળી સળગાવી આ ભાગ્યશાળી પુરુષને દેખતો કર્યો ને આંખો ચોળતો ચોળતો તે તરત ઓટલા ઉપર બેઠો ને “ શું કરવું ! શો ધર્મ પ્રાપ્ત થાય છે ?” એ પ્રશ્નોના વિચારમાં પડ્યો ત્યાં વિકાર વિસ્મૃતિને વશ થઈ શાંત થઈ ગયા.