પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૫


દશાના પોષણયોગ્ય વાસનાઓ સ્ત્રીના હૃદયમાં ધાવણની સાથે જ જન્મે છે ને આ કઠોર કર્કશ સંસારમાં તે બાળકને સનાથ કરે છે. સ્ત્રીપુરુષની વાસનાઓ પણ એમજ તેમનાં મર્મસ્થાનનું પોષણ કરે છે. કામશાસ્ત્રમાં કામને આહાર – સધર્મ ગણેલા છે, શરીરસ્થિતિના હેતુ ગણેલા છે. સ્થૂલદૃષ્ટિથી આ વાત મનુષ્યની વ્યક્તિયોને ઉદ્દેશી કહેલી લાગે છે, અને તેમ કંઈક છે પણ ખરું; પણ પ્રધાન પક્ષે તેમ નથી. એ વાક્ય તો મનુષ્યલોકની સમષ્ટિને ઉદ્દેશે છે. જેમ વ્યતિયોના આહારથી આ સમષ્ટિસંસારનાં શરીર પોષણ પામે છે તેમ જ વ્યક્તિયો કામસેવન કરે તો લોકસંખ્યાનાં શરીરની સંખ્યાનું ને સ્થિતિનું પોષણ થાય; માટે સમષ્ટિને કામ આહાર- સધર્મ છે ને તેનો દ્વેષ લોકનાશક છે. પણ સંસારના અનેક પ્રસંગોએ ઉપવાસથી વ્યક્તિ પોતાનું ને સંસારનું કલ્યાણ કરી શકે છે તેવું જ કલ્યાણ કામના ત્યાગથી થાય તો ત્યાગ ધર્મરૂપ થાય છે.

કુમુદ૦– જો ક્ષુધા અને તૃષા જેવી એ વાસનાઓ સંસારને માટે કલ્યાણકારક હોય તો પછી તેમાંનાં સુખદુ:ખના ભયથી તેમનો નાશ કરવો તે અનુચિત નથી ?

સર૦– વાસનાઓની ઉપમા ક્ષુધા અને તૃષ્ણા સાથે નથી, પણ જ્ઞાનેન્દ્રિયોની વૃત્તિયો સાથે છે. સુધા અને તૃષ્ણાનાં કારણ અને વિકાસ સર્વત્ર શક્તિરૂપ છે તે મનુષ્યથી અનિવાર્ય છે. સમુદ્રના ભરતી ઓટ પેઠે તેમનાં આકુંચન પ્રસારણ થયાં કરે છે ને સંસારની દૈનિક [૧] પ્રવૃત્તિસ્થિતિનાં એ કારણ છે. જ્ઞાનેન્દ્રિયો સ્વેચ્છાએ સ્વાનુકૂલ જ્ઞાનનું ગ્રહણ કરે છે ને એ જ્ઞાનમાંનો રસ ચાખી તેના અમુક પ્રકારની લાલસા રાખે છે. કણેન્દ્રિય શબ્દજ્ઞાનના ગાનસ્વરૂપની, નાસેન્દ્રિય ગન્યધજ્ઞાનના સૌગાન્ધિકની, ચક્ષુ સુન્દર રૂપાકારની, અને જિવ્હા સ્વાદની, લાલસા રાખતાં આમ શીખે છે, એ શબ્દજ્ઞાનાદિ વિષયના ગ્રહણ સાથે અંત:કરણની વૃત્તિના સંયોગથી આવી લાલસાઓ મનુષ્યને કોઈ નવી સૃષ્ટિમાં પ્રેરે છે. આમ આ ઈન્દ્રિયોદ્વારા આવેલા કંઈ કંઈ જ્ઞાન- વિશેષનું અંત:કરણ ચર્વિતચર્વણ કરે છે ને તે ચર્વિત વિષય અંત:કરણમાં ગર્ભપેઠે સ્પન્દમાન થાય છે ત્યાં એ ગર્ભની માતા જેવી અંતઃકરણની પોતાનીજ કોઈક વૃત્તિ તેને પ્રીતિથી પોષે છે ને અપૂર્વ સ્તન્યપાન આપે છે આ પ્રીતિ, આ સ્તન્ય – તે અંતઃકરણમાંથી વાસનારૂપે આ ગર્ભ- વિષયના ઉપર દ્રવે છે - વર્ષે છે. આ વૃત્તિ તો આ વાસનાઓનું રસનેન્દ્રિય છે


  1. ૧. દૈનિક = રોજનું, દરેક દિવસનું.