પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૦૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૬


અને જિવ્હા ઉપર અન્ન દેખી આવતા અમીરસ પેઠે આ વૃત્તિમાં વિષય ચિન્તનથી આ વાસના – આ રસલાલસા – વિકાસ પામે છે. પણ તે લાલસાએાની પ્રવૃત્તિ નદીઓનાં પૂર જેવી છે, સેતુ બાંધી મર્યાદામાં રખાય છે, એમના પૂરનો અશિષ્ટ માર્ગેથી વ્યભિચાર ૧[૧] કરાવી પરીવાહ [૨]પણ થાય છે, અને દીર્ધદૃષ્ટિવાળાં મેધાવી મનુષ્ય તેની ઉત્પત્તિને જ અટકાવે છે. આ વાસનાઓનાં કારણ નિવાર્ય છે, તેમની ગતિ રોકી શકાય છે, ને તેમના માર્ગમાં મર્યાદા મુકી શકાય છે. જ્ઞાન અને રસ ઉભયમાં આવી સ્વાધીનતા છે, અને સ્વાધીનતા છે માટે જ તેને સ્વાધીન રાખવાના અને તેને અધીન થવાના ધર્મ પ્રત્યક્ષ થાય છે. જેમ તરવારથી સજજનનું રક્ષણ પણ થાય છે ને હત્યા પણ થાય છે તેમ આ વાસનાઓથી સંસારની વ્યવસ્થાઓ ઘડાય છે પણ ખરી ને ભગાય છે પણ ખરી. એ વ્યવસ્થા બગડે તો માર્ગે જનારે વાસનાનો નિરોધ કરવાનો ધર્મ છે ને એ વ્યવસ્થા સુધરે ત્યાં વાસનાનું પોષણ ધર્મ છે. બીજે સ્થાને ગુણદોષનો પ્રસંગ નથી એટલે ધર્માધર્મનો વિચાર પ્રાપ્ત જ થતો નથી ને મનુષ્યની સ્વેચ્છા જ ત્યાં સ્વતંત્ર છે, જ્યાં તેની સ્વેચ્છાને આવી સ્વતંત્રતા નથી છતાં તેની ગતિનો નિરોધ પણ નથી ત્યાં ધર્મનું બન્ધન છે ને તે બન્ધનનો તિરસ્કાર કરવો તે જ પાપ.

કુમુદ૦– દમ્પતીની વાસનાઓમાં સ્વેચ્છાની જ મર્યાદા હશે કે અન્ય મર્યાદાઓ પણ હશે? તેમના નિરોધનો પ્રસંગ કયારે આવે ?

સર૦– શાસ્ત્રકારોએ તેમાં પણ એકાદશી, અનધ્યાય, અને અનુદ્યોગના [૩] જેવી વ્યવસ્થાઓ રાખી છે ને વ્યવહારમાં પણ શાણાં મનુષ્યો તેને રાખે છે. સાધુજનો જેને સૂક્ષ્મ પ્રીતિ ક્‌હે છે તેની સામગ્રી તે જ્વાલામુખી પર્વતનાં ગૂઢ શિખરો જેવી યુગના યુગ સુધી રહી શકે છે ને એ શિખરોના અંતભાગમાં ગૂઢ પરિપાક પામી આપણે જાણીયે નહી તેવે પ્રસંગે શિખરો તોડી એ પ્રીતિ બ્હાર ભભુકી નીકળે છે ને આપણને તેની નવી અજ્ઞાત અનિવાર્ય રેલાતી સૃષ્ટિમાં ડુબાડે છે. તેની વ્યવસ્થા કે ગતિ આપણા હાથમાં નથી ત્યારે સંસાર જેને પ્રીતિ ક્‌હે છે પણ સત્ય જોતાં જે આવી સ્થૂલ વાસનાઓ જ છે તેની સ્થૂલ વ્યવસ્થા સાધુજનોનાં સૂક્ષ્મ શરીરરૂપ જ્યોતિના તાપથી, ને રંગથી, ને પ્રકાશની શક્તિથી કરીયે તેવી થઈ શકે છે.


  1. . પોતાનો માર્ગ છોડી બીજે પ્રવર્તવું તે.
  2. ર. રેલ અને પૂર આવતાં તેના પાણીને જવાને કરી આપીયે તે માર્ગ, કાંસ.
  3. ૩. “ અણુજો.”