પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૦૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૭


કુમુદ૦– સાધુજનો પ્રીતિને જ લગ્નનું કારણ માને છે ને આપણા લોકમાં શું મનાય છે તે તો સમજાતું નથી. જે સાધુજનોની બુદ્ધિ યથાર્થ હોય તે વિવાહના સપ્તપદી આદિના વિધિને શા માટે આવશ્યક ગણ્યા હશે ? જો આપણા લોકની બુદ્ધિ યથાર્થ હોય તો તો સંવનન ને પરિશીલનમાં જ અનીતિનો દોષ રોપાય. જો સાધુજનોની બુદ્ધિ યથાર્થ હોય તો આપણા લોકનાં લગ્નમાત્ર અનીતિરૂપ છે ને તેમ પરણેલાં દમ્પતી છુટાં પડે ને સ્વેચ્છાએ નવા પ્રીતિયજ્ઞ માંડે તે ધર્મ થાય. સાધુજનોમાં વિવાહના વિધિ શા માટે રૂઢ થયા હશે અને સંસારીયોમાં વિવાહ જાતેજ શા માટે થતા હશે તે સમજાતું નથી. એવા વિવાહ વિના દમ્પતી દમ્પતી થાય તો તેમની વાસનાઓનો નિરોધ ઘટે કે નહી ને ઘટે તો શા માટે ?

સર૦– વિશ્વકર્તાની સર્વ રચનાઓમાં વ્યવસ્થા હોય છે ને મનુષ્ય- સૃષ્ટિની કેટલીક વ્યવસ્થાઓ મનુષ્યને નિમિત્ત કરી મનુષ્યને હાથે જ તે કરાવે છે અને કેટલીક વ્યવસ્થાઓ અન્ય નિમિત્તો દ્વારા કરાવે છે. ઈશ્વરની આ સર્વ વ્યવસ્થાઓ વચ્ચેથી પોતાના ધર્મ શેધી ક્‌હાડી સાધુજનો મનુષ્યોને માટે સર્વ દેશમાં ને સર્વ કાળમાં જે વ્યવસ્થા સાચવે છે તે સનાતન ધર્મની વ્યવસ્થાઓ છે, પણ પોતપોતાના દેશકાળની વિશેષ અવસ્થાઓને ઉદ્દેશી પૈઢ અને સમર્થ મનુષ્ય તે દેશકાળને માટે જે વિશેષ વ્યવસ્થાઓ રચે છે તે અલ્પકાલિક અને દૈશિક ધર્મની અંગભૂત થાય છે. આ વિશેષ-ધર્મની વ્યવસ્થા પણ લોકકલ્યાણના જ ઉદ્દેશ રાખે છે. સાધુજનોના સનાતન ધર્મના વિધિ, સનાતન છે, અને આરોગ્યવાળાં અંતઃકરણને માટે છે. આરોગ્યને સ્થાને કંઈ રોગ હોય ત્યારે તેને માટે વિશેષ ધર્મ રચાય છે ને જેમ જેમ પ્રજામાં આરોગ્ય આવતું જાય તેમ તેમ વિશેષ ધર્મનો ત્યાગ અને સનાતન ધર્મનો સ્વીકાર થાય છે. સનાતન ધર્મ આહાર જેવો છે; વિશેષધર્મ ઔષધ જેવા છે. ઔષધકાળે ઔષધ ને આહારકાળે આહાર રાખવાં એવી સનાતન ધર્મની જ વ્યવસ્થા છે. સંવનન અને પરિશીલન એ સનાતન ધર્મના વિધિ છે અને શુદ્ધ હૃદયના શુદ્ધ સંયોગથી હૃદયના ગાન્ધર્વ વિવાહ રચાય ત્યાં જ સનાતન વિવાહની પ્રતિજ્ઞાઓ બંધાઈ ચુકી સમજવી. વિવાહ એ આવી પ્રતિજ્ઞાના સાકાર લેખ જેવા વિધિ છે અને સૂક્ષ્મ શરીરોના સૂક્ષ્મ વિવાહનું સ્થૂલદૃષ્ટિને માટે પ્રત્યક્ષ મૂર્તરૂપ છે, સર્વ દેશના સાધુજનોએ આ વ્યવસ્થા સર્વના કલ્યાણને માટે બાંધી છે ને સ્વીકારી છે. વિવાહ સ્વીકારનાર સાધુદમ્પતી આ વિધિવ્યવસ્થાથી પોતાના પ્રીતિયજ્ઞનો આરંભ