પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯

ઉભા હતા અને શાંત સ્મિત કરતા હતા; તેમાંથી વિદ્યાચતુર આગળ આવ્યો અને ધીમે રહી વીરરાવને ખભે હાથ મુક્યો ત્યાં વીરરાવે પાછળ જોયું અને એના પગ ઉભા થયા. પોતાના વાક્યોનો એના ઉપર અને રાજા ઉપર શો અસર થયો હશે તેનો વિચાર જ તેને થયો નહી, અને વિચાર ન થયો તો ક્ષોભ પણ શાનો થાય ? પાછો ફરી તેણે વિદ્યાચતુર સાથે હસ્તમેલન*[૧] કર્યું અને મણિરાજ ભણી વધતાં વધતાં બોલ્યો.“ મહારાજ, રાજા અને પ્રજામાં મનુષ્યત્વ સામાન્ય છે, રાજત્વ કરતાં મનુષ્યત્વ પૂજ્ય છે, અને એ પૂજ્યત્વનું ચણતર સત્યના પાયા ઉપર બંધાયલું છે એ સત્ય આપ સ્વીકારો છો પણ અમારા વકીલસાહેબ ચદ્રકાંતભાઈએ એથી વિરુદ્ધ શાસ્ત્ર પળાવવાનો પ્રયત્ન કર્યો માટે અમારે એમની સાથે હવણાં જ યુદ્ધ થયું હતું.”

મણિરાજે હસતાં હસતાં એની સાથે હસ્ત મેળવ્યો અને ઉત્તર દીધો. “એવાં એવાં યુદ્ધને માટે જ અમે આ વિદુરભવન રાખેલું છે અને તેમાં આપના જેવાનો સત્કાર કરીયે છીયે. મહારાણા ખાચરજીને લેઈ મૂળરાજ સત્વર આવશે તેમને આપની શક્તિ જોવાનો લાભ થશે. માટે ચાલો, આપણે આ સભામંડપમાં બેસીયે.”

સર્વ ઉઠ્યા અને સભામંડપમાં ચાલ્યા. એટલામાં દરવાજે નેકી સંભળાઈ, ઘોડા ખોંખાર્યા, સર્વ મંડળ દરવાજે સામું ગયું, અને રાણા ખાચર તથા મૂળરાજને લઈ પાછું ફર્યું. સર્વ વાતચીત અને સ્વર બંધ પડ્યાં, ચાલનારાના પગના ઘસારા પણ સંભળાતા ન હતા, અને અગ્રભાગે માત્ર ખાચર અને મણિરાજ મન્દસ્મિત કરતા કરતા ધીમે સ્વરે ઓઠ ફરફડાવતા વાતો કરતા ચાલતા હતા. તે બે જણ એક સુવર્ણના ચિત્રિત કોચ ઉપર સામ સામે બેઠા. તેમની એક પાસ ખાચરના રાજ્યના એક બે ભાયાતો, તે પછી મૂળરાજ, અને તે પછી મણિરાજના ત્રણચાર ભાયાતો બેઠા. બીજી પાસ પ્રથમ વિદ્યાચતુર, પછી વીરરાવ, પછી ચંદ્રકાંત અને તે પછી રત્નનગરીના બીજા અધિકારીઓ બેઠા.

રાણો ખાચર શરીરે પાતળો, પણ કદમાં ઉંચો હતો. વૃદ્ધાવસ્થાની કરચલીઓ એના મુખ ઉપર હતી, પણ હઠીલી અને ખુનસભરી રજપુતાઈના આવેશે ભરેલી રતાશ એની ઝીણી પણ લાંબી આંખોમાં વીજળીની રેખા પેઠે ચળકતી હતી અને આંખોના ખુણા સુધી પ્રસરતી હતી. એની મુછોમાં ધોળા વાળ ભળવા લાગ્યા હતા, છતાં તેના આમળા કાન સુધી વળતા


  1. *Shaking hands.