પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯૯


સર૦– તમે કોના ઉપર દયા આણો છો ?

કુમુદ૦– તમારા શરીરમાં જ્વર મ્હેં પ્રત્યક્ષ કરેલો છે ને તેનું ઔષધ કરવું એ યજમાનનો ધર્મ છે.

સરસ્વતીચંદ્ર હસી પડ્યો ને એક હાથ લાંબો કર્યો.

“તમે ઠગાયાં. જુવો મ્હારો હાથ - તે શીતળ છે કે ઉષ્ણ છે ?”

કુમુદસુન્દરી તે હાથ ઝાલી રહી.

“આ હાથ અત્યારે તો સ્વસ્થ, શાંત, ને શીતળ છે.- શું આશ્ચર્ય ? – રાત્રિયે તેમ ન હતું.”

સર૦– તમારો હાથ ઉષ્ણ છે-પણ અનુષ્ણ થવા લાગે છે.

કુમુદ૦- તમારો હાથ ઉષ્ણ થવા માંડે છે.

સર૦- કુમુદસુંદરી, મ્હારો હાથ મુકી દેશો એટલે પોછો અનુષ્ણ થઈ જશે ને તમારો તો થયો જ છે. આવાં ક્ષણિક કારણોથી, વીજળી પેઠે, ક્ષણમાં દૃષ્ટ અને ક્ષણમાં નષ્ટ થતા વિકારોને માટે દયા આણવી એ ધર્મ નથી. આપણી સતત વાસના તો કલ્યાણની છે, ક્ષણિક સુખની કે ક્ષણિક દુઃખના નાશની નથી.

હાથ મુકી દેતી દેતી કુમુદ બોલી.

“તમે સત્ય કહ્યું, મ્હારા સ્પર્શથી તમને જ્વર થાય છે ને એ સ્પર્શને અભાવે જ્વર શાંત થાય છે. મને તમારી દયા આવે છે ત્યારે મને એવો જ્વર આવે છે.”

સર૦– એ દયા અસ્થાને છે.

કુમુદ૦– તે અસ્થાને હો કે સ્થાને હો, તે ધર્મથી આવશ્યક હો કે ન હો, પણ તેમાં અધર્મ તો નથીજ ને ?

સરસ્વતીચંદ્ર વિચાર કરી બોલ્યો.

“તે પણ છે. કુમુદસુન્દરી ! લોકવ્યવસ્થાને માટે રાજા ધારા કરે તે પણ તેની આજ્ઞાઓનો સમૂહ છે. રાજાથી પરોક્ષ હઈએ, કોઈ દેખે નહી ને જાણે નહી એવું હોય, તો પણ આ આજ્ઞા અંતઃકરણથી પાળવી એ સર્વ સાધુજનોનો સનાતન ધર્મ છે ને લોકનું તેમ લોકવ્યવસ્થાનું કલ્યાણ પણ તેમાં છે.”

કુમુદ૦- રાજાની કેઈ આજ્ઞાનું ઉલ્લંઘન થવાનું આપણને ભય છે ?