પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૧

સર૦- આપણે કલ્યાણમાર્ગે પ્રવર્તવું તે કેવળ આપણે માટે જ છે એમ નથી. જે રાજાજ્ઞા તોડવાનું આપણે ભય ગણીએ છીએ તેથી મને શિક્ષા થવાનું ભય મ્હારા હૃદયને કંઈ પણ સ્પર્શ નથી કરતું, પણ આ પરમપવિત્ર સાધુજનોની કીર્તિ અને સ્થિતિ ઉભયને આપણી પ્રવૃત્તિને લીધે રાજભયમાં અને લોકભયમાં આવી પડવું પડશે. તેમણે કરેલા આપણા અત્યંત આતિથેયનો આ બદલો દુષ્ટ થશે.

કુમુદ૦- પવિત્રતામાં પણ આમ પરમાર્થ દર્શાવી આપે મ્હારા હૃદયને અતિદૃઢ કર્યું, સાધુજનોને ભયમાં ન નાંખવાની વાસનાથી મ્હારી સર્વ વાસના ભસ્મ થઈ સમજો.

સર૦– પ્રભાત થવા લાગ્યો.

કુમુદ૦– સૃષ્ટિના પ્રભાત સાથે આપણો પણ પ્રભાત જ થાય છે.

સર૦– એ પ્રભાતની સૃષ્ટિ આપણે કેવી રચવી તેનો વિચાર તમને સેાંપું છું.

કુમુદ૦– તે યોગ્ય કરો છો. એ વિચાર ગૃહકાર્યના જેવો છે માટે મ્હારે જ કરવો ઘટે છે. મ્હારી સાથે આવેલાં સાધુજન ઉઠ્યાં હશે તેમને હું મળીશ ને આપના મંડળને આપ મળો. જે સાધુજનો આ સ્થાનમાં આપણને પ્રેરે છે તેમની ઈચ્છાને અનુકૂળ લાગશે તે કાળે હું પાછી આપની સેવામાં આવીશ ને હજી મ્હારે આપની પાસે જાણી લેવાનું છે કે આપ આયુષ્યશેષ કેમ ગાળવાના છો, આત્મહિત અને લોકહિત કેમ સાધવાના છો, અને હું તેમાં કેવી રીતે સાધનભૂત થઈ શકીશ. આ સર્વ વાત જાણી લેઈ પછી હું મ્હારે કરવાના વિચાર કરીશ. આપ જે બુદ્ધિ અને રસનાં પવિત્ર જ્યોતિને આપશો તેનું હું પૂર્ણ પ્રીતિથી પોષણ કરીશ. હવે આ કન્થાનું ધારણ કરો. હું આપની આજ્ઞા માગું છું.

આ સૂક્ષ્મપ્રીતિએ જોડેલી જોડ પળવાર છુટી પડી. કુમુદ પુલ ઉપર થઈ અદૃશ્ય થઈ અદૃશ્ય થતા પ્હેલાં, સ્થૂલશરીરને દૂર રાખનાર જીવોનાં સૂક્ષ્મ શરીરોની માત્ર દૃષ્ટિઓએ, વીદાયગીરીનું આલિંગન લેઈ લીધું.