પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦૭


કમુદ૦– પ્રેરશે ત્યારે પ્રેરશે. મ્હારો ખપ આપના વિના બીજું કોઈ કરે એમ હવે નથી. જગત મને ડુબેલી સમજતું હશે, માતાપિતા અને શ્વશુરગૃહ પણ એ જ બુદ્ધિથી મ્હારો શોક કરી રહ્યું હશે અને કાળક્રમે તેમના મનમાંથી હું ખસવા પણ માંડી હઈશ. હું એ સંસારને મનથી વિસારું છું; આપ પણ વિસારો. જ્યાં સુધી આપણે અધર્મના માર્ગથી દૂર છીયે ત્યાં સુધી ભાવી પ્રસંગો એ શું થશે ને શું નહી થાય એ તર્ક કરવા તે પેટ ચોળી પીડા ઉભી કરવા જેવું નથી?

સર૦– એ પણ સત્ય છે.

કુમુદ૦– તો એ વાત પડતી મુકી ને મને ક્‌હો કે આપ આ આશ્રમમાં આપનો કાળ કેવી રીતે ગાળવા ધારો છો? ને આપના મનના સંતાપને કેવી રીતે દૂર કરવા ઈચ્છો છો ?

સર૦– મ્હારું આત્મહિત વિચારવાનાં સાધન તો આ મઠોમાં ઘણાં પડ્યાં છે. દેશહિત કરવાને માટે દ્રવ્યની અને પ્રતિષ્ઠાની મહત્તા જોઈએ તે અંહી નથી, પણ દ્રવ્ય અને પ્રતિષ્ઠા ઉભય હોય તો તે વડે દેશહિત કેમ કરવું તે આ ભવ્ય સ્થાનમાં રહી સુઝશે તેવું અન્યત્ર નહી સુઝે. લોકહિત – સર્વ પૃથ્વી–લોક–નું હિત – એ સાધવાની શક્તિ તો દ્રવ્ય અને પ્રતિષ્ઠાથી પણ દુર્લભ છે, એ શક્તિ તો કેમ પ્રાપ્ત કરવી એ જ વિકટ પ્રશ્ન છે. તેનું સમાધાન સુન્દરગિરિ સુઝાડશે.

કુમુદ૦– એ વસ્તુઓને જોનાર ને દેખાડનાર તો આપની બુદ્ધિ અને વિદ્યા જ છે; તેમાં સુન્દરગિરિ શી અધિકતા કરવાનો હતો ? સંસારના પ્રશ્રોનું સમાધાન સંસાર જ કરી શકે ને અંહી તે સંસાર ભણી આપે આંખો જ મીંચીને અદ્રષ્ટા થવાનું છે.

સર૦– વિદ્યા બુદ્ધિને વ્યાયામ અને શક્તિ આપે છે. સંસાર એ વ્યાયામને અને શક્તિને વિષય આપે છે, પણ એવા વિષયનું જ્ઞાનેન્દ્રિયમાં ગ્રહણ કરી તેનું ચર્વણ ને પાચન કરવાનો અવકાશ અને પ્રભાવ આવાં સ્થાનમાં સવિશેષ મળે છે એમ પાશ્ચાત્યો માને છે ને અનુભવે છે તેમ આપણા પ્રાચીન લોક પણ સમજતા હતા [૧]અને આપણી બુદ્ધિમાં જે

  1. १ अलमेष विलोकितः प्रजानां सहसा संहतिमंहसां विहन्तुम् ।
    घनवर्त्म सहस्रधेव कुर्वन् हिमगौरैरचलाधिपः शिरोभिः ॥
    वीतजन्मजरसं परं शुचि ब्रह्मणः पदं उपैतुं इच्छतां ।
    आगमादिव तमोपहादितः सम्भवन्ति मतयो भवच्छिदः ।।
    किरातार्जुन, इन्द्रकीलवर्णनम्