પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦

હતા. એના ઓઠ લાંબા હતા, અને એ આખા જગતને કંઈ લેખામાં ગણતો ન હોય એવો અભિમાની તિરસ્કાર એ આંખો અને ઓઠમાં સ્ફુરતો હતો. એ હસતો ત્યારે પણ એના હાસ્ય સાથે કોઈક કટાર ઝઝુમતી હોય એમ લાગતું હતું. એક કોચના બે છેડા ઉપર બેઠેલા સસરા-જમાઈના દેખાવમાં સર્વાંગી વિરોધ સ્પષ્ટ હતો, અને આકાશના મધ્ય ભાગમાં ચંદ્ર અને ધૂમકેતુ પાસે હોય ત્યારે લાગે તેમ સૌમ્ય મણિરાજ અને તીવ્ર-ઉગ્ર ખાચર લાગતા હતા.

“રાણાજી, આ બે અમારા અતિથિ છે તે મુંબાઈથી આવેલા છે.” ચંદ્રકાંત અને વીરરાવ ભણી દષ્ટિ કરી મણિરાજે હસતે મુખે કહ્યું.

“હા, મ્હોં ઉપરથી જ દેખાય છે.” હાથેલીમાં દ્‍હાડી ડાબતો ડાબતો ખાચર બોલ્યો.

“એમાં આ દક્ષિણી ગૃહસ્થનું નામ વીરરાવ છે તેમનો વિચાર એવો છે કે દેશી રજવાડામાં અંદર ખાનેથી સળો જ છે.” મણિરાજે કહ્યું.

“એમનો વિચાર એવો હશે ! શું કરીયે? મુંબાઈમાંથી ચાલી આવેલી ઉધાઈ રજવાડાનું કાળજું પણ કોરી ખાય છે; આવા મેમાનોને સંધરવાનું ફળ કંઈ ન્હાનું સુનું હોય ? ” બીજી પાસની ભીંત ભણી નજર કરી હસતે હસતે ખાચરે ઉત્તર દીધો.

વીરરાવની આંખમાં ક્રોધના વીર આવ્યા, અને ઉત્તર ન દેતાં માત્ર ચંદ્રકાંતના કાનમાં એ ક્‌હેવા લાગ્યો. “ Look ! Look ! Not only does the devil coil and sting like the serpent, but can breathe out his venom too !”

“He only pays in kind !” ચંદ્રકાન્તે વીરરાવના કાનમાં અમૃત રેડ્યું.

Me he pays in kind ? You say so ? ” વીરરાવે ઓઠ પીસી પુછયું.

“I believe he thinks so:” ચંદ્રકાંતે કહ્યું અને પછી મ્હોં મલકાવ્યું.

“કેમ, ચંદ્રકાંતજી, છાની છાની ગોષ્ઠી ચલાવો છો તે રાણાજીને અને અમને પણ કાંઈ અમૃત સંભળાવો.” મણિરાજે વાત છેડી.

વીરરાવ --- શુણો, મહારાજ, મુંબાઈમાં તો ઉધાઈ પણ છે અને સુધરાઈ પણ છે. તેમાંથી જેને જયાં ગ્રાહક મળે ત્યાં જાય છે. જે રજવાડામાં મુંબાઈની ઉધાઈ જ આકર્ષાતી હોય તે રજવાડાની જાતમાં જ કંઈક રોગ હોવો જોઇએ.

મણિરાજ – એ રોગ કીયા સંસ્થાનમાં છે ને કીયામાં નથી એ પ્રશ્નનું નિરાકરણ